09 April, 2026 03:42 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સુનીલ ગાવસકર
ઊંચી કિંમતે ખરીદ્યા પછી કૅમરન ગ્રીન સંપૂર્ણ યોગદાન આપી શક્યો ન હોવાથી કોલકાતા નાઇટ રાઇડર્સ ટીમની જે હાલત થઈ છે એ જોઈને સુનીલ ગાવસકરને લાગે છે કે જો સંપૂર્ણ ફિટ ન હોય અને પોતાની યોગ્યતા પ્રમાણે બોલિંગ-બૅટિંગ કરવા સક્ષમ ન હોવા છતાં ફક્ત પૈસા ખાતર રમવા આવી જાય તેના પર બે વર્ષનો પ્રતિબંધ મૂકી દેવો જોઈએ. તેમણે ક્રિકેટ બોર્ડને આ બાબતે ગંભીરતાપૂર્વક વિચારવાની અપીલ કરી છે. કલકત્તા ૩ મૅચ રમ્યું છે પણ હજી સુધી જીતનું ખાતું ખોલી શક્યું નથી. ૨૫.૨૦ કરોડવાળો કૅમરન ગ્રીન આ ૩ મૅચમાં ૧૮, બે અને ૪ એમ કુલ ૨૪ રન જ બનાવી શક્યો છે. ફિટ ન હોવાથી ઑસ્ટ્રેલિયન ક્રિકેટ બોર્ડે તેને હજી થોડા દિવસ બોલિંગ ન કરવાની સૂચના આપી હોવાથી કલકત્તા બોલર તરીકે તેનો ઉપયોગ નથી કરી શકતું.
પ્રથમ મૅચમાં હાર બાદ કલકત્તાના કૅપ્ટન અજિંક્ય રહાણેએ પણ કૅમરન ગ્રીન બોલિંગ ન કરી શક્યો એ માટે ઑસ્ટ્રેલિયન ક્રિકેટ બોર્ડને ટોણો માર્યો હતો અને એને લઈને વિવાદ થયો હતો. જોકે ગાવસકરે હવે એ વિવાદને વધુ હવા આપતાં ક્રિકેટ બોર્ડને અપીલ કરતાં કહ્યું હતું કે એવા ખેલાડીઓ પર બૅન લગાડો જે સંપૂર્ણ રીતે ફિટ નથી હોતા અને તેઓ પોતાની ભૂમિકા બરાબર નિભાવવામાં માટે સક્ષમ નથી હોતા. તેમણે કૅમરન ગ્રીન ઉપરાંત મિચલ માર્શ અને કૂપર કૉનોલીનું ઉદાહરણ આપતાં કહ્યું હતું કે જે ખેલાડી બોલિંગ ન કરી શકે એમ હોય તો તેમણે ટુર્નામેન્ટમાં રમવા ન આવવું જોઈએ. ગાવસકરનું માનવું છે ફ્રૅન્ચાઇઝીને સંપૂર્ણ કમિટમેન્ટ મળવું જોઈએ અને જો કોઈ ફિટ નથી તો તેણે સામેથી જ હટી જવું જોઈએ કે જેથી અન્ય ખેલાડીને મોકો મળે.