28 November, 2025 09:38 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સુનીલ ગાવસકર
ભારતીય હેડ કોચ ગૌતમ ગંભીરને ચારેય તરફથી ટીકાઓનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે ભૂતપૂર્વ ક્રિકેટર સુનીલ ગાવસકરે તેનો બચાવ કર્યો છે. સાઉથ આફ્રિકા સામેના શરમજનક વાઇટવૉશ બાદ ગાવસકરે કહ્યું હતું કે ‘આપણે ફક્ત ત્યારે જ કોચ તરફ આંગળી ચીંધીએ છીએ જ્યારે ટીમ હારે છે. તમે તેને શ્રેય આપવા તૈયાર જ નથી. જો તમે તેને ચૅમ્પિયન્સ ટ્રોફી અને એશિયા કપની જીત માટે શ્રેય આપવા તૈયાર નથી તો કૃપા કરીને મને કહો કે તમે પિચ પરના ટીમના નબળા પ્રદર્શન માટે તેને શા માટે દોષ આપવા માગો છો. તમે તેને શા માટે દોષ આપી રહ્યા છો?’
ગાવસકરે વધુમાં કહ્યું હતું કે ‘તે કોચ છે. કોચ ટીમ બનાવી શકે છે. કોચ કોઈ પણ ખેલાડી સાથે પોતાનો અનુભવ શૅર કરી શકે છે, પરંતુ ખેલાડીઓએ જ મેદાન પર સારું પ્રદર્શન કરવું પડશે. ભારત એક એવી ટીમ છે જેને લગભગ દર વર્ષે અન્ય દેશોમાં આમંત્રિત કરવામાં આવે છે કારણ કે તે તેમની ટીવી-આવકમાં વધારો કરે છે. ભારતે હોમ સીઝન દરમ્યાન ઑસ્ટ્રેલિયા સહિત અન્ય દેશની ટૂર ટાળવી જોઈએ.’
ગંભીર સંકટમાં મુકાયેલી ટીમ ઇન્ડિયાના હેડ કોચ પર કોઈ કાર્યવાહી નહીં થાય?
સાઉથ આફ્રિકા સામે પચીસ વર્ષ બાદ ઘરઆંગણે મળેલી કારમી ટેસ્ટ-સિરીઝની હાર બાદ પણ ક્રિકેટ બોર્ડ હેડ કોચ ગૌતમ ગંભીરને હટાવશે નહીં. બોર્ડના એક અધિકારીએ માહિતી આપતાં કહ્યું હતું કે ‘અમે ગંભીર વિશે કોઈ નિર્ણય લઈશું નહીં, કારણ કે વર્લ્ડ કપ નજીક છે અને એનો કરાર ૨૦૨૭ના વન-ડે વર્લ્ડ કપ સુધી છે. બોર્ડ ટીમના સિલેક્ટર અને મૅનેજમેન્ટ સાથે વધુ ચર્ચા કરશે, પરંતુ કોઈ ઉતાવળમાં નિર્ણય લેવામાં આવશે નહીં.’ ગંભીરના કોચિંગ હેઠળ ભારત ટેસ્ટ-ફૉર્મેટમાં ૧૦ મૅચ હાર્યું છે, ૭ મૅચ જીત્યું છે અને બે મૅચ ડ્રૉ રહી છે. તેની જીતની ટકાવારી ૩૬.૮૨ ટકા જ રહી છે.