21 January, 2025 10:20 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સંજુ સૅમસન
ચૅમ્પિયન્સ ટ્રોફી 2025 માટે ભારતીય વિકેટકીપર સંજુ સૅમસનને ન સિલેક્ટ કરીને રિષભ પંતને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. વિકેટકીપર-બૅટર વિશેની આ પસંદગીને ભારતના મહાન ક્રિકેટર સુનીલ ગાવસકરે યોગ્ય ગણાવી છે. તેમના અનુસાર ગેમ-ચેન્જર અને સારી વિકેટકીપિંગ કરતો હોવાથી સંજુ સૅમસનની જગ્યાએ રિષભ પંતને વધુ તક મળી રહી છે.
સુનીલ ગાવસકર કહે છે કે ‘આ ખૂબ જ મુશ્કેલ નિર્ણય છે, કારણ કે સંજુ સૅમસન પણ આજકાલ ઘણા રન બનાવી રહ્યો છે. આપણે બધા જાણીએ છીએ કે પંત રમત બદલી શકે છે અને તે ડાબોડી બૅટ્સમૅન પણ છે. રિષભ પંત સંજુ સૅમસન કરતાં સારો વિકેટકીપર છે, પરંતુ તેના કરતાં સારો બૅટ્સમૅન ન હોઈ શકે. સૌથી મોટો તફાવત એ છે કે પંત કદાચ સૅમસન કરતાં રમતને થોડું વધારે બદલી શકે છે અને એથી જ સંજુ કરતાં પંતને પસંદ કરવામાં આવ્યો. સંજુ સૅમસને નિરાશ ન થવું જોઈએ, કારણ કે બધા ભારતીય ક્રિકેટ ફૅન્સ તેની સિદ્ધિ માટે તેની સાથે સહાનુભૂતિ રાખશે.’