05 August, 2026 05:51 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અજિંક્ય રહાણે, સુનીલ ગાવસ્કર અને રાહુલ દ્રવિડ
ભારતના ભૂતપૂર્વ ક્રિકેટર સુનીલ ગાવસકરે હાલમાં નિવૃત્તિ લેનાર અજિંક્ય રહાણે વિશે મહત્ત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. હાલમાં મિડ-ડે ઇંગ્લિશની કૉલમમાં સુનીલ ગાવસકરે લખ્યું, ‘રાહુલ દ્રવિડની જેમ અજિંક્ય રહાણે સારો કૅપ્ટન્સી રેકૉર્ડ ધરાવતો હોવા છતાં તેને એના માટે શ્રેય મળ્યું નથી. રહાણેના નેતૃત્વને પણ ભાગ્યે જ પ્રશંસા મળી. ભારતીય ક્રિકેટમાં આ એક સામાન્ય ઘટના છે. જ્યારે ટીમ જીતે છે ત્યારે બધી પ્રશંસા એવા ખેલાડીઓને જાય છે જેમણે સારું પ્રદર્શન કર્યું હોય, પછી ભલે તે બૅટર હોય કે બોલર. જોકે જ્યારે ટીમ હારે છે ત્યારે કૅપ્ટન અને કોચને દોષી ઠેરવવામાં આવે છે.’
સુનીલ ગાવસકરે વધુમાં લખ્યું, ‘અજિંક્ય રહાણે ગર્વ અને ક્રિકેટપ્રેમીઓની ખરી કૃતજ્ઞતા સાથે રમતને અલવિદા કહી રહ્યો છે, કારણ કે તે હંમેશાં સંપૂર્ણ નિઃસ્વાર્થતાથી રમ્યો હતો. બહુ ઓછા ક્રિકેટરો કહી શકે છે કે તેમનો રમતમાં એક પણ દુશ્મન નહોતો. મારા શ્રેષ્ઠ જ્ઞાન અને અનુભવ મુજબ આવા ખેલાડીઓ કદાચ એક ડઝનથી પણ ઓછા છે. તેના સ્વાભાવિક રીતે નમ્ર વર્તનથી અજિંક્ય રહાણે ચોક્કસપણે એ યાદીમાં સ્થાન મેળવે છે.’