17 April, 2025 10:06 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
આન્દ્રે રસેલ, સુનીલ નારાયણ અને એન્રિક નૉર્ખિયા બૅટ-ટેસ્ટમાં નાપાસ
મંગળવારે પંજાબ કિંગ્સ સામેની મૅચ દરમ્યાન કોલકાતા નાઇટ રાઇડર્સના ત્રણ પ્લેયર્સ આન્દ્રે રસેલ, સુનીલ નારાયણ અને એન્રિક નૉર્ખિયા બૅટ-ટેસ્ટમાં નાપાસ થયા હતા. કલકત્તાના ઓપનરો ૧૧૨ રનનો ટાર્ગેટ ચેઝ કરવા મેદાનમાં ઊતર્યા એ પહેલાં જ સુનીલ નારાયણનું બૅટ ચેક કરવામાં આવ્યું હતું.
સુનીલ નારાયણના બૅટ સાથે તેના સાથી-ઓપનર અંગક્રિશ રઘુવંશીનું બૅટ પણ ચેક કરવામાં આવ્યું હતું. અમ્પાયર પાસે બૅટ ચેક કરવાનું ઉપકરણ હતું એમાંથી સુનીલ નારાયણનું બૅટ પસાર જ નહોતું થઈ શક્યું, જ્યારે અંગક્રિશ રઘુવંશીનું બૅટ પસાર થઈ ગયું હતું.
ત્યાર બાદ અગિયારમી ઓવરમાં જ્યારે આન્દ્રે રસેલ બૅટિંગ કરવા આવ્યો અને પંદરમી ઓવરની સમાપ્તિ પર એન્રિક નૉર્ખિયા બૅટિંગ કરવા આવ્યો ત્યારે બન્નેનાં બૅટ ઉપકરણમાંથી પસાર નહોતાં થયાં. પરિણામે ત્રણેય બૅટરે પોતાનું બૅટ બદલાવવું પડ્યું હતું. એન્રિક નૉર્ખિયાએ બૅટ તો બદલાવ્યું, પણ તેને એકેય બૉલ રમવા નહોતો મળ્યો.
અમ્પાયરો જેનાથી બૅટ માપે છે એ ત્રિકોણાકાર પ્લાસ્ટિકના ઉપકરણ પર એનાં ડાઇમેન્શન લખેલાં છે: ઊંડાઈ ૨.૬૮ ઇંચ, પહોળાઈ ૪.૩૩ ઇંચ, કિનારી ૧.૬૧ ઇંચ. બૅટની પાછળ, નીચે જે ઊપસેલો ભાગ હોય છે એ ૦.૨૦ ઇંચની અંદર હોવો જોઈએ.