01 May, 2026 03:04 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પૅૅૅટ કમિન્સ
IPLમાં આ સીઝનમાં ૨૦૦ પ્લસનો ટાર્ગેટ પણ સલામત નથી એ બુધવારે ફરી એક વાર સાબિત થઈ ગયું. મુંબઈએ આપેલો ૨૪૪ રનનો ટાર્ગેટ હૈદરાબાદે ૧૮.૪ ઓવરમાં ચાર વિકેટ ગુમાવીને પ્રમાણમાં સહેલાઈથી મેળવી લીધો હતો. આ સીઝનમાં દસમી વખત ૨૦૦ પ્લસ રનનો ટાર્ગેટ ચેઝ થયો હતો અને IPLની એક સીઝનમાં સૌથી વધુ ૨૦૦ પ્લસ રનનો ટાર્ગેટ સફળતાપૂર્વક ચેઝ કરવાનો નવો રેકૉર્ડ બની ગયો હતો. આ પહેલાંનો ૯ વખતનો રેકૉર્ડ ગઈ સીઝનમાં બન્યો હતો જે એક જ વર્ષમાં તૂટી ગયો હતો. પાંચ જ મૅચ છેલ્લી ઓવર સુધી ગઈ અને આ સીઝન મળીને ૨૦૦ પ્લસની સફળતાપૂર્વઝ ચેઝના કુલ ૧૯ વખતમાંથી ફક્ત પાંચ જ મૅચમાં છેલ્લી ઓવર સુધી રાહ જોવી પડી છે. આમ ૧૪ વાર મહા-ટાર્ગેટ તો ૧૯મી ઓવર સુધીમાં મેળવી લીધો હતો. ૪ વર્ષમાં ૩૩ વખત IPLની પ્રથમ સીઝન ૨૦૦૮થી ૨૦૨૨ સુધી એટલે ૧૪ વર્ષમાં ૨૦૦ પ્લસનો ટાર્ગેટ સફળતાપૂર્વક ચેઝ ફક્ત ૧૫ વખત જ થયો હતો, પણ છેલ્લાં ૪ વર્ષમાં ચિત્ર સાવ જ બદલાઈ ગયું છે. ૨૦૨૪માં ૬ વાર, ૨૦૨૩માં ૮ વાર અને ૨૦૨૫માં ૯ વાર બાદ આ સીઝનમાં અત્યાર સુધી ૧૦ વાર સાથે છેલ્લાં ચાર વર્ષમાં આવી કમાલ કુલ ૩૩ વાર જોવા મળી છે. ૨૦૦ પ્લસ ટાર્ગેટ, મુંબઈની બીજી હાર આ મૅચ પહેલાં મુંબઈ ૨૦૦ પ્લસ રનનો ટાર્ગેટ ડિફેન્ડ કરવામાં ૨૦માંથી ૧૯ મૅચમાં જીતી હતી. તેઓ ફક્ત એક જ વાર ૨૦૨૫માં પંજાબ સામે હાર્યા હતા અને હવે બીજી વાર આ મામલે તેમની હાર થઈ છે.
મુંબઈ સામેની મહા-જીત બાદ હૈદરાબાદના કૅપ્ટન પૅટ કમિન્સે ટીમની સતત પાંચમી જીત બદલ ખુશી વ્યક્ત કરી હતી. ટીમની સૌથી સ્ટ્રૉન્ગ બૅટિંગ લાઇન-અપ વિશે ગર્વ વ્યક્ત કર્યો હતો અને કહ્યું હતું કે તે પોતાની જાતને નસીબદાર માને છે કે તેને આવી બૅટિંગ લાઇન-અપ સામે બોલિંગ નથી કરવી પડી રહી.
મુંબઈ સામેની જીત એ સનરાઇઝર્સ હૈદરાબાદની આ ટુર્નામેન્ટમાં ૧૦૦મી જીત હતી. ૨૦૧૩માં ડેબ્યુ કરનાર હૈદરાબાદને અત્યાર સુધી રમેલી ૨૦૫ મૅચમાંથી ૧૦૪ મૅચમાં હારનો સામનો કરવો પડ્યો છે અને એક મૅચનું કોઈ પરિણામ નહોતું આવ્યું.