08 February, 2026 11:08 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ભારત અને અમેરિકન ક્રિકેટ ટીમોના મોટા રાષ્ટ્રધ્વજ
ગઈ કાલથી શરૂ થયેલા T20 વર્લ્ડ કપની દરેક મૅચ પહેલાં મેદાન પર ટીમોના મોટા રાષ્ટ્રધ્વજ લહેરાવવામાં આવે છે. T20 વર્લ્ડ કપ 2026માં ભાગ લેનારા તમામ ૨૦ દેશના રાષ્ટ્રધ્વજ ટેક્સટાઇલ હબ સુરતમાં બન્યાં છે. સુરતની કંપની પ્રવીણ ઓવરસીઝે તમામ ધ્વજ રીસાઇકલ કરેલા પ્લાસ્ટિક-વેસ્ટમાંથી બનાવ્યા છે.
એક ધ્વજ બનાવવા માટે ૧૧,૦૦૦ વપરાયેલી પ્લાસ્ટિક બૉટલોનો ઉપયોગ કરવામાં આવ્યો છે એટલે કે ૨૦ દેશના રાષ્ટ્રધ્વજ બનાવવા માટે પ્લાસ્ટિકની ૨.૨૦ લાખ બૉટલનો ઉપયોગ થયો છે. ધ્વજની લંબાઈ ૩૫ મીટર અને પહોળાઈ ૨૦ મીટર છે. ૧૫૦ કિલોથી પણ વધુ વજન ધરાવતા આ એક ધ્વજને મેદાન પર લાવવા અને લહેરાવવા માટે ૫૪ સશક્ત લોકોની જરૂર પડે છે. માત્ર રાષ્ટ્રધ્વજ જ નહીં; ટી-શર્ટ, કૅપ, સ્પોર્ટ્સવેર અને અન્ય ઍક્સેસરીઝ માટે પણ સુરતના ટેક્સટાઇલ માર્કેટને અંદાજે ૧૦૦ કરોડ રૂપિયાનો વેપાર મળ્યો છે.