07 May, 2026 03:13 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
હાર્દિક પંડ્યા
હાર્દિક પંડ્યા અને મુંબઈ ઇન્ડિયન્સની બરાબરની માઠી દશા ચાલી રહી છે. એક તરફ ટીમ એક પછી એક મૅચ હારી રહી છે અને બીજી તરફ કૅપ્ટન હાર્દિક પંડ્યા બૅટર કે કૅપ્ટન તરીકે કોઈ જ કમાલ નથી બતાવી રહ્યો. સોમવારે હાર્દિક પંડ્યા ઇન્જરીને કારણે ન રમતાં સૂર્યકુમાર યાદવના નેતૃત્વમાં મુંબઈની હારનો સિલસિલો અટકી ગયો હતો. આ જીત બાદ ચાહકો અને અમુક ક્રિકેટપંડિતો પણ હાર્દિકની હકાલપટ્ટી કરીને સૂર્યકુમાર યાદવને ટીમની કમાન સોંપી દેવાની માગણી કરી રહ્યા છે. બધાને લાગે છે હાર્દિકની પર્સનલ લાઇફ ટીમને નુકસાન કરી રહી છે. છેલ્લા બે દિવસથી સોશ્યલ મીડિયામાં હાર્દિકની હકાલપટ્ટીના સમાચારો પણ ખૂબ જ વાઇરલ થઈ રહ્યા છે. હાર્દિકે ઇન્જરીને લીધે આ સીઝનમાં બે મૅચ દિલ્હી અને લખનઉ સામે ગુમાવી છે. મુંબઈએ છેલ્લે લખનઉ સામેની મૅચ બાદ પાંચેક દિવસના આરામ બાદ ૧૦મેએ રાયપુરમાં બૅન્ગલોર સામે રમવાનું છે. આ માટે ગઈ કાલે મોટાભાગના ખેલાડીઓ મુંબઈથી રાયપુર રવાના થયા હતા. આમાં હાર્દિક ક્યાંય નજરે ન પડતાં તેની હકાલપટ્ટીના સમાચાર લોકોને સાચા લાગવા લાગ્યા હતા. જોકે અમુક અહેવાલો પ્રમાણે આ સીઝનમાં તો હાર્દિક જ ટીમનો કૅપ્ટન રહેશે અને ઇન્જરીને લીધે તે વધુ બે દિવસ મુંબઈમાં જ આરામ કરીને મૅચ પહેલાં રાયપુર પહોંચી જશે અને મેદાનમાં પણ ઊતરશે.
સૂર્યકુમાર યાદવ પણ આઉટ, બૅન્ગલોર સામે કોણ હશે મુંબઈનો કૅપ્ટન?
હાર્દિક ઇન્જરીને લીધે બૅન્ગલોર સામેની મૅચ માટે રાયપુર હજુ સુધી નથી ગયો અને લેટેસ્ટ અપડેટ પ્રમાણે કાર્યવાહક કૅપ્ટન સૂર્યકુમાર યાદવ પણ ૧૦ મેની આસપાસ પિતા બનવાનો હોવાથી તે પણ ટીમ સાથે નથી જોડાવાનો. જો હાર્દિક સંપૂર્ણ ફિટ થઈને ટીમ સાથે નહીં જોડાય તો આ મસ્ટ વિન મૅચમાં મુંબઈનો કૅપ્ટન કોણ હશે એ અંગે અટકળો થવા લાગી છે. આ માટે જસપ્રીત બુમરાહ અને તિલક વર્માનું નામ સૌથી વધુ ચર્ચાઈ રહ્યું છે. તો અમુકને લાગી રહ્યું છે કે ટીમ આ મસ્ટ વિન માટે રોહિત શર્માને ટીમની કમાન સંભાળવા માટે વિનંતી કરી શકે છે.