12 July, 2025 02:14 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સૂર્યકુમાર યાદવ
ભારતના T20 કૅપ્ટન સૂર્યકુમાર યાદવે હાલમાં પત્ની દેવિશા શેટ્ટી સાથે લંડનના વિમ્બલ્ડન 2025માં હાજરી આપી હતી. આ પ્રતિષ્ઠિત ટેનિસ-ટુર્નામેન્ટના ઇન્ટરવ્યુમાં તેને તેના મનપસંદ ટેનિસ-શૉટ વિશે પૂછવામાં આવ્યું હતું. એના જવાબમાં તેણે કહ્યું કે ‘જેમાં પ્લેયર્સ પાછળની તરફ દોડીને બન્ને પગની વચ્ચેથી શૉટ રમે છે એ ટ્વીનર શૉટ. એને હું ચોક્કસપણે ક્રિકેટમાં અજમાવવા માગું છું. પોતાના બન્ને પગની વચ્ચેથી શૉટ રમીને કદાચ એક દિવસ બાઉન્ડરી ફટકારીશ.’
આ મુંબઈકર ક્રિકેટરને જ્યારે તેના ડ્રીમ ટેનિસ ડબલ્સ પાર્ટનર વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેણે કહ્યું કે ‘મહેન્દ્ર સિંહ ધોની હશે. તેની પાસે ગતિ, અસાધારણ સહનશક્તિ અને અદ્ભુત માનસિક મજબૂતાઈ છે. મેં જોયું છે કે જ્યારે તે ક્રિકેટ રમતો નથી ત્યારે તે ઘણી વાર ટેનિસ રમે છે. તો હા, મારી પસંદગી ચોક્કસપણે ધોની છે.’