21 November, 2026 08:58 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
વિરાટ સિંહ
ગઈ કાલે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં સૈયદ મુશ્તાક અલી ટ્રોફી T20 ટુર્નામેન્ટને પોતાનો નવો હાઇએસ્ટ રન-સ્કોરર મળ્યો હતો. કર્ણાટક સામે ડિફેન્ડિંગ ચૅમ્પિયન ઝારખંડે ૧૭૫ રન ચેઝ કરીને ૭ વિકેટે મૅચ જીતી હતી. આ મૅચમાં ૨૮ વર્ષના ડાબોડી બૅટર વિરાટ સિંહે ૩૪ બૉલમાં પાંચ ફોર, ૩ સિક્સની મદદથી અણનમ ૬૦ રન ફટકાર્યા હતા.
બિહારમાં જન્મેલા વિરાટ સિંહે આ ટુર્નામેન્ટની આશરે ૯૯ મૅચોમાં ૧ સદી, ૨૧ ફિફટીની મદદથી ૨૯૭૮ રન કર્યા છે. અગાઉ મધ્ય પ્રદેશના હરપ્રીત ભાટિયાએ આ ટુર્નામેન્ટમાં ૨૦૧૦થી ૨૦૨૫ વચ્ચે ૧૦૦ મૅચોમાં ૨૧ ફિફ્ટીના આધારે ૨૯૬૮ રન કરીને નંબર વનનું સ્થાન જાળવી રાખ્યું હતું.
૩૫ વર્ષનો આ ડાબોડી બૅટર હરપ્રીત ભાટિયા UAE શિફ્ટ થઈ ગયો છે. એપ્રિલ ૨૦૨૬માં UAE માટે ઇન્ટરનૅશનલ ડેબ્યુ કરીને તેણે ૧૨ વન-ડે મૅચમાં ૪૨૭ રન અને પાંચ T20 મૅચમાં ૪૨ રન કર્યા છે.
કલકત્તામાં મુંબઈ-વિદર્ભની મૅચ વરસાદમાં ધોવાઈ
કલકત્તાના ઈડન ગાર્ડન્સમાં ગઈ કાલે મુંબઈ અને વિદર્ભ વચ્ચે સૈયદ મુશ્તાક અલી ટ્રોફીની મૅચ રદ્દ રહી હતી. ૮ ટીમો વચ્ચે આ બન્ને ટીમે ૪ મૅચોમાં ૧૪ પૉઇન્ટ સાથે ગ્રુપ Dમાં ટૉપ ટૂમાં સ્થાન જાળવી રાખ્યું છે. +૨.૬૧૮ના નેટ રન-રેટ સાથે મુંબઈ પ્રથમ ક્રમે છે.