ઇન્ટરનૅશનલ ક્રિકેટને વધી રહેલી ટી૨૦ લીગને લીધે ખતરો : પ્લેસિસ

08 June, 2021 02:45 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સાઉથ આફ્રિકાના ભૂતપૂર્વ કૅપ્ટનને લાગે છે કે બન્ને વચ્ચે સમતોલન જાળવવું જરૂરી છે, નહીંતર પછી ફુટબૉલમાં જેવું થયું એવું થઈ જશે

ફૅફ ડુ પ્લેસિસ

સાઉથ આફ્રિકાના ભૂતપૂર્વ કૅપ્ટન ફૅફ ડુ પ્લેસિસને લાગે છે કે ટી૨૦ લીગની વધતી સંખ્યા ઇન્ટરનૅશનલ ક્રિકેટ માટે ખતરો બની ગઈ છે. આજે ઑસ્ટ્રેલિયા, ભારત, ઇંગ્લૅન્ડ, પાકિસ્તાન, બંગલા દેશ, શ્રીલંકા અને વેસ્ટ ઇન્ડીઝ દરેક ટૉપના ક્રિકેટ દેશ પાસે પોતાની ટી૨૦ લીગ છે. 

પ્લેસિસે રવિવારે એક પ્રેસ-કૉન્ફરન્સ દરમ્યાન કહ્યું હતું કે ‘મને લાગે છે કે દર વર્ષે ટી૨૦ લીગની વધી રહેલી સંખ્યા ઇન્ટરનૅશનલ ક્રિકેટ માટે જોખમકારક છે. જો ભવિષ્યમાં એ એક વિકલ્પ બની ગયો તો ઇન્ટરનૅશનલ ક્રિકેટનું કોઈ મહત્ત્વ નહીં રહે. શરૂઆતમાં ફક્ત બે જ લીગ હતી અને આજે ૪, પ, ૬, ૭ લીગ એક વર્ષમાં રમાય છે. લીગ ક્રિકેટ દિવસે-દિવસે મજબૂત બની રહ્યું છે.’

પ્લેસિસે વેસ્ટ ઇન્ડીઝનું ઉદાહરણ આપતાં કહ્યું હતું કે ત્યાં ઘણા ખેલાડીઓ નૅશનલ ટીમને બદલે ફ્રૅન્ચાઇઝી ક્રિકેટને વધુ મહત્ત્વ આપે છે. સાઉથ આફ્રિકન ખેલાડીઓ પણ એ જ દિશામાં આગળ વધી રહ્યા છે. પ્લેસિસે આ બાબતે કહ્યું હતું કે લાગે છે કે આગલા વર્ષમાં ક્રિકેટ લગભગ ફુટબૉલ જેવું થઈ જશે, જેમાં ખેલાડીઓ લીગ ટુર્નામેન્ટને ખૂબ મહત્ત્વ આપે છે. દુનિયાભરમાં યોજાતી લીગ વચ્ચે વર્લ્ડ કપ યોજાય છે.’

પ્લેસિસે છેલ્લે કહ્યું કે ‘ભવિષ્યમાં લીગ અને ઇન્ટરનૅશનલ ક્રિકેટ બન્ને એકસાથે કેવી રીતે સંભવ બની શકે એ માટે પ્રયાસ થવો જોઈએ, નહીંતર ઇન્ટરનૅશનલ ક્રિકેટ ખતરામાં આવી જશે.’

faf du plessis cricket news sports news sports south africa t20 international