12 June, 2026 11:49 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
શિવમ દુબેએ ૨૬ બૉલમાં ૪૫ રન ફટકાર્યા હતા.
મુંબઈના પ્રતિષ્ઠિત વાનખેડે સ્ટેડિયમમાં ગઈ કાલે આકાશ ટાઇગર્સ અને ARCS અંધેરી વચ્ચે T20 મુંબઈ લીગની પહેલી સેમી-ફાઇનલ મૅચ રમાઈ હતી. આકાશ ટાઇગર્સે ૭ વિકેટે માંડ-માંડ ૧૫૦ રનનો સ્કોર કર્યો હતો. જવાબમાં ARCS અંધેરીએ ૧૮.૩ ઓવરમાં પાંચ વિકેટે ૧૫૧ રન કરીને ૧૩ જૂનની ફાઇનલ મૅચમાં એન્ટ્રી કરી હતી.
આકાશ ટાઇગર્સના ઓપનર જય બિસ્તાએ ૩૩ બૉલમાં ૩૫ રન અને સરફરાઝ ખાને ૧૭ બૉલમાં ૩૪ રન ઝૂડ્યા હતા. ARCS અંધેરી માટે સ્પિનર મુશીર ખાન, પેસ બોલર અર્જુન તેન્ડુલકર અને મીડિયમ-ફાસ્ટ બોલર શિવમ દુબેએ ૧-૧ વિકેટ ઝડપી હતી.
રન-ચેઝ દરમ્યાન ARCS અંધેરીએ ૧૨.૪ ઓવરમાં ૯૨ રનના સ્કોર પર પાંચ વિકેટ ગુમાવી દીધી હતી. મુશીર ખાન પહેલા બૉલમાં ઝીરો પર આઉટ થયો હતો અને અર્જુન તેન્ડુલકર ૧૧ બૉલમાં ૧૩ રનનું યોગદાન આપી શક્યો હતો. સાતમા ક્રમે રમવા આવેલા શિવમ દુબેએ ૨૬ બૉલમાં એક ફોર અને પાંચ સિક્સની મદદથી અણનમ ૪૫ રન ઝૂડીને મૅચમાં સરળ જીત નોંધાવી પ્લેયર ઑફ ધ મૅચનો અવૉર્ડ જીત્યો હતો.
બીજી સેમી-ફાઈનલમાં શું થયું ?
સાંજે બીજી સેમી-ફાઇનલ મૅચ અજિંક્ય રહાણેની ટીમ નૉર્થ મુંબઈ પૅન્થર્સ અને સિદ્ધેશ લાડની ટીમ મરાઠા રૉયલ્સની ટીમ વચ્ચે રમાઈ હતી. ટૉસ હારીને પહેલાં બૅટિંગ કરનાર નૉર્થ મુંબઈ પૅન્થર્સે ૨૦ ઓવરમાં ૧૪૮/૧૦ રનનો સ્કોર કર્યો હતો. જવાબમાં ડિફેન્ડિંગ ચૅમ્પિયન મરાઠા રૉયલ્સે ૧૯.૫ ઓવરમાં સાત વિકેટે ૧૫૨ રન કરીને ફાઇનલમાં એન્ટ્રી મારી હતી.