T20 World Cup 2021: ભારત-પાકિસ્તાન મેચ પહેલા BCCIનું ફરમાન, ચાર ખેલાડીઓને સ્વદેશ મોકલ્યા

23 October, 2021 05:27 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

આ ચાર બોલરોના આવ્યા બાદ ઉમરાન મલિક, આવેશ ખાન, હર્ષલ પટેલ અને લુકમાન મેરીવાલાને ભારતીય ટીમમાં જાળવી રાખવામાં આવ્યા છે.

પ્રતિકાત્મક તસવીર

આઈસીસી T20 વર્લ્ડ કપ 2021 (ICC T20 World Cup 2021)માં ભારત અને પાકિસ્તાન મોટી મેચ 24 ઑક્ટોબરે રમાશે, પરંતુ તે પહેલા ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે એક મોટું પગલું ભર્યું છે. BCCIએ ટીમ ઇન્ડિયાના કેમ્પમાં સામેલ ચાર ક્રિકેટરોને પરત મોકલવાનો નિર્ણય કર્યો છે. T20 વર્લ્ડ કપ દરમિયાન જે ખેલાડીઓને સ્વદેશ પરત મોકલવાનો આદેશ આપવામાં આવ્યો છે તેમાં નેટ બોલર શાહબાઝ નદીમ, કૃષ્ણપ્પા ગૌતમ, કર્ણ શર્મા અને વેંકટેશ ઐયરનો સમાવેશ છે. T20 વર્લ્ડ કપને ધ્યાનમાં રાખીને, બીસીસીઆઈએ બેટ્સમેનોને તૈયાર કરવા માટે આઠ નેટ બોલરોની પસંદગી કરી હતી. યુએઈથી પરત ફરેલા આ ચારેય બોલરો ડોમેસ્ટિક ટુર્નામેન્ટના ભાગરૂપે સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં રમતા જોવા મળશે.

આ ચાર બોલરોના આવ્યા બાદ ઉમરાન મલિક, આવેશ ખાન, હર્ષલ પટેલ અને લુકમાન મેરીવાલાને ભારતીય ટીમમાં જાળવી રાખવામાં આવ્યા છે. વર્લ્ડ કપ દરમિયાન BCCIએ નેટ બોલર તરીકે ફાસ્ટ બોલરોને વધુ મહત્ત્વ આપ્યું છે. આ ચાર ફાસ્ટ બોલર સમગ્ર વિશ્વ કપ દરમિયાન ટીમ ઈન્ડિયા સાથે રહેશે. ન્યૂઝ એજન્સી પીટીઆઈ સાથે વાત કરતા ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે વર્લ્ડ કપ શરૂ થયા બાદ ઘણા નેટ સત્રો યોજાવાના નથી, જેના કારણે રાષ્ટ્રીય પસંદગીકારોને લાગ્યું કે આ બોલરોએ સૈયદ મુશ્તાક અલી ટ્રોફી રમવી જોઈએ. જેના કારણે આ ખેલાડીઓને મેચ પ્રેક્ટિસ મળશે. સૈયદ મુશ્તાક અલી ટી-20 ટુર્નામેન્ટ 4 નવેમ્બરથી શરૂ થશે.

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના બોલર હર્ષલ પટેલે સંયુક્ત આરબ અમીરાતમાં તાજેતરમાં પૂર્ણ થયેલી IPL 2021માં 32 વિકેટ ઝડપી હતી. તેના પછી બીજા નંબરે દિલ્હી કેપિટલ્સનો બોલર આવેશ ખાન હતો. તે જ સમયે, જમ્મુ-કાશ્મીરના ફાસ્ટ બોલર ઉમરાન મલિકે તેની ગતિથી લોકોને આકર્ષિત કર્યા હતા. આ ટુર્નામેન્ટ દરમિયાન તેણે પોતાની ઝડપી બોલિંગ દ્વારા બધાને પ્રભાવિત કર્યા હતા. આ સિઝનમાં તેણે સૌથી ઝડપી ડિલિવરી કરવાનો રેકોર્ડ પણ બનાવ્યો હતો.

sports news cricket news international cricket council t20 world cup