25 December, 2025 08:50 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
રૉબિન ઉથપ્પા
ભૂતપૂર્વ ક્રિકેટરને લાગે છે કે વર્લ્ડ કપ જેવી મેગા ઇવેન્ટમાં બે આઉટ ઑફ ફૉર્મ ખેલાડીઓ પોસાય નહીં અને ટીમમાં કૅપ્ટનને જાળવવો જરૂરી હતો. ઘરઆંગણે રમાનારા T20 વર્લ્ડ કપ માટેની ભારતીય ટીમની જાહેરાત બાદ સૌથી વધુ ચર્ચા ટીમના વાઇસ કૅપ્ટન શુભમન ગિલની બાદબાકીની થઈ રહી છે. ક્રિકેટના માંધાતાઓ આ સંદર્ભે રોજેરોજ જાતજાતના તર્ક-વિર્તક કરી રહ્યા છે. ભૂતપૂર્વ વિકેટકીપર-બૅટર રૉબિન ઉથપ્પા ગિલની અવગણના માટે કૅપ્ટન સૂર્યકુમાર યાદવના ખરાબ ફૉર્મને જવાબદાર ગણાવી રહ્યો છે.
તેના આ તર્કને સમજાવતાં ઉથપ્પાએ તેની યુટ્યુબ ચૅનલ પર કહ્યું હતું કે ‘વર્લ્ડ કપ જેવી મેગા ટુર્નામેન્ટમાં તમે ટીમમાં ફૉર્મમાં ન હોય એવા એકાદ ખેલાડીને જ રાખી શકો. સૂર્યકુમાર યાદવના બૅટથી હાલમાં રન નથી બની રહ્યા અને સિલેક્ટરો આઉટ ઑફ ફૉર્મ હોય એવા બે ખેલાડીઓને ટીમમાં રાખવા નહોતા માગતા એથી તેમણે કૅપ્ટનને જાળવી રાખીને વાઇસ-કૅપ્ટનને બહારનો રસ્તો બતાવવો પડ્યો.’
જોકે ઉથપ્પા ઉમેરે છે કે ‘ગિલના હાલના ફૉર્મ અને તેના ડગમગી ગયેલા કૉન્ફિડન્સને જોતાં તે ટીમમાં રહેવાને લાયક જ નહોતો. સિલેક્ટરોએ યોગ્ય નિર્ણય લીધો છે. મને તો તેને T20 ટીમનો વાઇસ-કૅપ્ટન બનાવવાનો નિર્ણય જરાય યોગ્ય નહોતો લાગ્યો. તમારી પાસે ઑલરેડી વાઇસ-કૅપ્ટન હતો તેને જ જાળવી રાખવો જોઈતો હતો, બીજા કોઈની જાહેરાત કરવાની જરૂર જ નહોતી.’