10 January, 2026 05:10 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
લોકોની ભાવનાઓથી પ્રભાવિત ન થાઓ, ભવિષ્ય વિશે વિચારો
બંગલાદેશના ભૂતપૂર્વ કૅપ્ટન તમીમ ઇકબાલે પોતાના દેશના ક્રિકેટ બોર્ડના ભારતમાં T20 વર્લ્ડ કપ ન રમવા વિશેના જિદ્દી વલણ પર મોટું નિવેદન આપ્યું છે. તેણે કહ્યું હતું કે ‘ઘણી સમસ્યાઓ ઘણી વાર વાતચીત દ્વારા ઉકેલી શકાય છે. બંગલાદેશ ક્રિકેટના ભવિષ્ય વિશે વિચાર કરીને નિર્ણય લેવો જોઈએ. દેશના લોકોની ભાવના અને લાગણીના આધારે નિર્ણય લેશો તો આટલી મોટી સંસ્થા ચલાવી નહીં શકો.’
૩૬ વર્ષના તમીમ ઇકબાલે વધુમાં કહ્યું હતું કે ‘કોઈ પણ જાહેર નિવેદન આપતાં પહેલાં બોર્ડના સભ્યો વચ્ચે સંવેદનશીલ મુદ્દાઓ પર આંતરિક ચર્ચા થવી જોઈએ, કારણ કે નિવેદનો પાછાં ખેંચવાં મુશ્કેલ હોઈ શકે છે. આજે લીધેલા નિર્ણયની અસર ૧૦ વર્ષ પછી થશે. બંગલાદેશ ક્રિકેટનું ભવિષ્ય બીજી બધી બાબતોથી પહેલાં આવે છે અને ૯૦થી ૯૫ ટકા ફન્ડ ICC તરફથી આવે છે. તેથી બંગલાદેશ ક્રિકેટને શું ફાયદો થાય છે એના આધારે નિર્ણયો લેવા જોઈએ.’