બીજા દિવસે પણ હસન નડ્યો કાંગારૂઓને

15 August, 2026 10:14 AM IST  |  Darwin | Gujarati Mid-day Correspondent

આ‍ૅસ્ટ્રેલિયા સામેની ટેસ્ટમાં ૬ વિકેટે ૩૫૧ રન બનાવીને બંગલાદેશે લીધી ૧૫૩ રનની લીડ, ગુરુવારે હસન મહમૂદના ૬ વિકેટના પરાક્રમ બાદ ગઈ કાલે તન્ઝિદ હસને સેન્ચુરી સાથે રચ્યો ઇતિહાસ

ઑસ્ટ્રેલિયામાં ઐતિહાસિક સેન્ચુરી બાદ સેલિબ્રેટ કરી રહેલો તન્ઝિદ હસન.

ઑસ્ટ્રેલિયા સામેની પ્રથમ ટેસ્ટમાં ગઈ કાલે બીજો દિવસ પણ બંગલાદેશના જ નામે રહ્યો હતો. ઑસ્ટ્રેલિયાની અનુભવી બૉલિંગ લાઇનઅપ સામે બંગલાદેશીઓ ટકી નહીં શકે એમ લાગતું હતું, પણ બંગલાદેશી બૅટરોએ બોલરોની મહેનતને એળે નહોતી જવા દીધી અને દિવસના અંત સુધીમાં ૬ વિકેટે ૩૫૧ રન બનાવીને ૧૫૩ રનની લીડ લીધી હતી. 
પહેલો દિવસ ૨૬ વર્ષના પેસ બોલર હસન મહમૂદના નામે રહ્યો હતો તો બીજો દિવસ ૨૫ વર્ષના અને બીજી જ ટેસ્ટ રમી રહેલા તન્ઝિદ હસને ગજવ્યો હતો. કૅપ્ટન નજમુલ હોસૈન શાન્તોના લડાયક ૮૪ રન બાદ તન્ઝિદે ૧૯૭ બૉલમાં એક સિક્સર અને ૮ ફોર સાથે ૧૦૧ રન ફટકારીને ટીમને મજબૂત સ્થિતિ તરફ લઈ ગયો હતો. આ સાથે તે ઑસ્ટ્રેલિયન ધરતી પર ટેસ્ટમાં સેન્ચુરી ફટકારનાર પ્રથમ બંગલાદેશી બૅટર બની ગયો હતો. બોલિંગમાં કમાલ કરનાર હસન મહમૂદે ગઈ કાલે અણનમ ૧૩ રન બનાવ્યા હતા અને કાંગારૂઓ કમબૅક કરશે એવું લાગી રહ્યું હતું ત્યારે ૭૬ બૉલ સુધી મેદાનમાં અણનમ રહીને તેમને પરેશાન કરી દીધા હતા. તેણે મેહદી હસન મિરાઝ ( અણનમ ૩૨ રન) સાથે સાતમી વિકેટ માટે ૧૪૭ બૉલમાં અણનમ ૪૩ રનની પાર્ટનરશિપ સાથે કાંગારૂઓને થકવી નાખ્યા હતા. 

મિચલ સ્ટાર્ક હવે કપિલ દેવથી આગળ
મિચલ સ્ટાર્ક ગઈ કાલે લિટન દાસની વિકેટ સાથે ટેસ્ટ-ક્રિકેટમાં વિકેટનો આંકડો ૪૩૫ પર પહોંચાડીને કપિલ દેવ (૪૩૪)થી આગળ નીકળી ગયો હતો. ટેસ્ટ-ક્રિકેટમાં હાઇએસ્ટ વિકેટટેકરોના લિસ્ટમાં તે હવે ૧૧મા ક્રમાંકે પહોંચી ગયો છે અને વધુ પાંચ વિકેટ લઈને તે સાઉથ આફ્રિકાના ડેલ સ્ટેન (૪૩૯)ને હટાવીને ટૉપ ટેનમાં એન્ટ્રી મારી લેશે. શ્રીલંકાનો મુથૈયા મરલીધરન ૮૦૦ વિકેટ સાથે નંબર વન છે.

bangladesh australia cricket news test cricket sports news sports