18 October, 2025 10:26 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ફાઇલ તસવીર
અમદાવાદમાં આયોજિત વન-ડે વર્લ્ડ કપ 2023ની ફાઇનલમાં ભારતને હરાવી ઑસ્ટ્રેલિયા છઠ્ઠી વખત વિજેતા બન્યું હતું. આખી ટુર્નામેન્ટમાં અજેય રહ્યા બાદ અંતિમ જંગમાં ભારતીય ટીમને હારનો સામનો કરવો પડ્યો એનું દરદ આજે પણ ભારતીય ક્રિકેટ ફૅન્સ અને ક્રિકેટર્સને છે. જોકે ત્યાર બાદ ઑસ્ટ્રેલિયાને બદલે રનર-અપ ટીમ ઇન્ડિયાએ વન-ડે ફૉર્મેટમાં વિજેતા જેવું પ્રદર્શન કર્યું છે.
વર્લ્ડ કપ 2023ની ફાઇનલ બાદ રમાયેલી આ ફૉર્મેટની મૅચોમાં ભારત હાઇએસ્ટ ૭૧.૪ ટકા જીતની ટકાવારી ધરાવે છે. ભારતે ૧૪માંથી ૧૦ મૅચ જીતી છે. ત્રણ મૅચમાં હાર મળી હતી જ્યારે એક મૅચ ટાઇ રહી હતી. ઑસ્ટ્રેલિયન ટીમ ચૅમ્પિયન બન્યા બાદ ૧૯ વન-ડે મૅચ રમી છે જેમાંથી માત્ર ૯ જીત મળી છે. અન્ય નવ મૅચમાં હાર મળી હતી અને એક મૅચ નો-રિઝલ્ટ રહી હતી. ૪૭.૪ ટકા જીતની ટકાવારી સાથે કાંગારૂઓ ટૉપ-ટેનના લિસ્ટમાં પાંચમા ક્રમે છે. શ્રીલંકા ૬૭.૯, ન્યુ ઝીલૅન્ડ ૬૫ અને અફઘાનિસ્તાન ૬૦ ટકા જીતની ટકાવારી સાથે ટૉપ-ફોરમાં સામેલ છે.