Sports Update : શ્રીલંકા ટૂરની અંતિમ ટેસ્ટ-મૅચ માટે કોલંબો પહોંચી ટીમ ઇન્ડિયા

22 August, 2026 11:30 AM IST  |  Colombo | Gujarati Mid-day Correspondent

ગૉલ ટેસ્ટમાં ૧૬૫ રનની જીત બાદ ટીમ ઇન્ડિયા બીજી ટેસ્ટ માટે કોલંબો પહોંચી છે. હાઈ કમિશનર સંતોષ ઝાએ ટીમ માટે ડિનરનું આયોજન કર્યું હતું.

શ્રીલંકા ટૂરની અંતિમ ટેસ્ટ-મૅચ માટે કોલંબો પહોંચી ટીમ ઇન્ડિયા

ભારત અને શ્રીલંકા વચ્ચે ૨૩થી ૨૭ ઑગસ્ટ દરમ્યાન બે ટેસ્ટ-મૅચની સિરીઝની અંતિમ મૅચ રમાવાની છે. ગૉલ ટેસ્ટ-મૅચમાં ૧૬૫ રને જીત નોંધાવ્યા બાદ ટીમ બીજી ટેસ્ટ-મૅચ માટે કોલંબો પહોંચી છે. શ્રીલંકા ખાતે ભારતના હાઈ કમિશનર સંતોષ ઝાએ બીજી ટેસ્ટ-મૅચ પહેલાં કોલંબોમાં સ્થિત ઇન્ડિયા હાઉસ ખાતે ટીમ ઇન્ડિયા સાથે મુલાકાત કરીને ડિનરનું આયોજન કર્યું હતું. રવિવારે ટીમ ઇન્ડિયા સિરીઝને ૨-૦થી જીતવાના ટાર્ગેટ સાથે મેદાન પર ઊતરશે.

ક્વૉર્ટર ફાઇનલમાં ૩૬ મિનિટમાં હાર્યા સાત્વિક-ચિરાગ

વર્લ્ડ ચૅમ્પિયનશિપ 2026માં ગઈ કાલે ભારતની મેન્સ ડબલ્સની જોડીને ક્વૉર્ટર ફાઇનલમાં કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. સાત્વિકસાઈરાજ રેન્કીરેડ્ડી અને ચિરાગ શેટ્ટી ક્વૉર્ટર ફાઇનલમાં હારીને મેડલ જીતવાની રેસમાંથી બહાર થઈ ગયા હતા. 
ભારતની આ સ્ટાર શટલરની જોડીને માત્ર ૩૬ મિનિટમાં ચીનની હરીફ જોડી સામે ૧૮-૨૧, ૯-૨૧થી કારમી હાર મળી હતી. આ વખતે ભારતની વિમેન્સ ડબલ્સ અને મેન્સ ડબલ્સ સિવાય મેન્સ-વિમેન્સ સિંગલ્સ, મિક્સ્ડ ડબલ્સની જોડી પ્રી-ક્વૉર્ટર ફાઇનલની આગળ વધી શકી નથી.  

આજથી ઑસ્ટ્રેલિયા-બંગલાદેશ વચ્ચેની બીજી ટેસ્ટ-મૅચ નવા વેન્યુ મકાયમાં રમાશે

મકાયના ગ્રેટ બૅરિયર રીફ અરીનામાં આજે યજમાન ઑસ્ટ્રેલિયા અને મહેમાન ટીમ બંગલાદેશ વચ્ચે સિરીઝની અંતિમ અને બીજી ટેસ્ટ-મૅચ શરૂ થશે. પહેલી ટેસ્ટ-મૅચ દરમ્યાન બંગલાદેશે ડાર્વિનમાં નવ વિકેટે ઐતિહાસિક જીત નોંધાવી હતી. ગ્રેટ બૅરિયર રીફ અરીના આજે ઑસ્ટ્રેલિયાનું ૧૨મું મેન્સ ટેસ્ટ-વેન્યુ બનશે. અહીં પહેલી વખત કોઈ મેન્સ ટેસ્ટ-મૅચ રમાશે. પૅટ કમિન્સની કાંગારૂ ટીમને કમાન્ડિંગ વિજય સાથે સિરીઝ ડ્રૉ કરવાની જરૂર છે, જ્યારે બંગલાદેશ સતત બીજી મૅચ જીતીને વધુ મોટી સફળતાનું સ્વપ્ન જોઈ રહ્યું છે.

બ્રાઝિલ ફુટબૉલના અધિકારીઓએ ફ્રેન્ડ્લી મૅચ પહેલાં કલકત્તાના મેદાનને જોખમી ગણાવ્યું

૩ ઑક્ટોબરે કલકત્તાના સૉલ્ટ લેક સ્ટેડિયમમાં ભારત અને બ્રાઝિલની મેન્સ ફુટબૉલ ટીમો વચ્ચે ફ્રેન્ડ્લી મૅચ રમાવાની છે. આ મૅચ પહેલાં મેદાનના નિરીક્ષણ માટે બ્રાઝિલિયન ફુટબૉલ કૉન્ફેડરેશન (CBF)ના ૭ સભ્યો કલકત્તા આવ્યા હતા. 
અહેવાલો અનુસાર ૭ સભ્યોની ટીમે સ્ટેડિયમના મેદાન અને તાલીમ-સુવિધાઓ વિશે ગંભીર ચિંતા વ્યક્ત કરી હતી. ગ્રાઉન્ડ-સ્ટાફ સાથે વાત કરીને અધિકારીઓએ ઘાસની ઘનતા વધારવાનું સૂચન કર્યું છે નહીં તો ખેલાડીઓને ઇન્જરી થવાનું જોખમ રહેલું છે.

સ્પેનનો કાર્લોસ અલ્કારાઝ યુએસ ઓપનથી ટેનિસમાં ચાર મહિના બાદ કમબૅક કરશે 

સ્પેનના ૨૩ વર્ષના ટેનિસ સ્ટાર કાર્લોસ અલ્કારાઝે મહત્ત્વપૂર્ણ જાહેરાત કરી છે. હાથના કાંડાની ઇન્જરીમાંથી સ્વસ્થ થઈને કાર્લોસ અલ્કારાઝ પ્રોફેશનલ ટેનિસમાં ૪ મહિના બાદ વાપસી માટે તૈયાર છે. તેણે યુએસ ઓપનમાં રમીને વાપસીની જાહેરાત કરી છે. 
યુએસ ઓપન ૨૩ ઑગસ્ટથી ૧૩ સપ્ટેમ્બર વચ્ચે રમાશે જેમાં મુખ્ય ડ્રૉની મૅચો ૩૦ ઑગસ્ટથી શરૂ થશે. એપ્રિલમાં કાંડાની ઇન્જરી પછી ૪ મહિનાથી વધુ સમયથી રમતથી દૂર રહેવાને કારણે કાર્લોસ અલ્કારાઝે ફ્રેન્ચ ઓપન, વિમ્બલ્ડન, સિનસિનાટી ઓપન જેવી ટુર્નામેન્ટ ગુમાવવી પડી હતી. ૭ વખતનો આ ગ્રૅન્ડ સ્લૅમ ચૅમ્પિયન યુએસ ઓપનમાં મેન્સ સિંગલ્સનું ટાઇટલ ડિફેન્ડ કરવા ઊતરશે.

team india sri lanka colombo india galle test cricket cricket news sports news sports