૧૪ વર્ષે અંગ્રેજોનો વાઇટવૉશ કર્યો

14 February, 2025 07:07 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ભારતના ૩૫૬ સામે ઇંગ્લૅન્ડ ૨૧૪ રનમાં આ‌ૅલઆઉટ : શાનદાર સેન્ચુરી ફટકારનાર શુભમન ગિલ પ્લેયર ઑફ ધ મૅચ અને પ્લેયર આ‌ૅફ ધ સિરીઝ પણ બન્યો : વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, કે. એલ. રાહુલ પણ ઝળક્યા

પ્રતીકાત્મક તસવીર

ભારતે ગઈ કાલે ઇંગ્લૅન્ડને સિરીઝની ત્રીજી વન-ડેમાં પણ પરાસ્ત કર્યું હતું. ભારતે ૧૪ વર્ષ પછી વન-ડે સિરીઝમાં ઇંગ્લૅન્ડનો વાઇટવૉશ કર્યો છે. ઓવરઑલ ભારતે વન-ડે સિરીઝમાં ઇંગ્લૅન્ડનો ચોથી વાર વાઇટવૉશ કર્યો છે.

ગઈ કાલે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારતે ૫૦ ઓવરમાં ૧૦ વિકેટે ૩૫૬ રન કર્યા હતા, જેના જવાબમાં ઇંગ્લૅન્ડ ૩૪.૨ ઓવરમાં ૨૧૪ રનમાં ઑલઆઉટ થઈ ગયું હતું. આ વિજય સાથે ભારતે સિરીઝ ૩-૦થી જીતી લીધી હતી.

રોહિત શર્મા ગઈ કાલે નિષ્ફળ રહ્યો હતો, પણ શુભમન ગિલે ૧૦૨ બૉલમાં ફટકારેલા શાનદાર ૧૧૨, શ્રેયર ઐયરે ૬૪ બૉલમાં ફટકારેલા ૭૮, વિરાટ કોહલીએ પંચાવન બૉલમાં ફટકારેલા બાવન અને કે. એલ. રાહુલે ૨૯ બૉલમાં ફટકારેલા ૪૦ રનની મદદથી ભારતે વિશાળ સ્કોર ઊભો કર્યો હતો.

ઇંગ્લૅન્ડ વતી કોઈ મોટી ઇનિંગ્સ નહોતું રમી શક્યું. અર્શદીપ સિંહ, હર્ષિત રાણા, અક્ષર પટેલ, હાર્દિક પંડ્યાએ બે-બે તથા વૉશિંગ્ટન સુંદર અને કુલદીપ યાદવે એક-એક વિકેટ લીધી હતી.
ગઈ કાલે પ્લેયર ઑફ ધ મૅચ શુભમન ગિલ જાહેર થયો હતો અને સિરીઝમાં કુલ ૨૫૯ રન બનાવવા બદલ તે પ્લેયર ઑફ ધ સિરીઝ પણ બન્યો હતો.

sports news sports cricket news england indian cricket team