29 December, 2025 10:34 AM IST | Adelaide | Gujarati Mid-day Correspondent
બેન ડકેટ
ઍડીલેડ ટેસ્ટ-મૅચ પહેલાંના લાંબા બ્રેક દરમ્યાન ઇંગ્લૅન્ડના પ્લેયર્સે બીચ-વેકેશન દરમ્યાન ભરપૂર દારૂ પીધો હોવાના અહેવાલથી વિવાદ ઊભો થયો હતો. આ વિવાદમાં ઇંગ્લૅન્ડના ઓપનર બૅન ડકેટનો નશાની હાલતમાં વાતચીત કરતો વિડિયો ઘણો ચર્ચામાં રહ્યો. ગઈ કાલે મેલબર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે યોજાયેલા ફૅન-ફેસ્ટિવલમાં ઑસ્ટ્રેલિયન ઓપનર ટ્રૅવિસ હેડે આ મામલે બૅન ડકેટ સહિત અંગ્રેજ ટીમનો બચાવ કર્યો છે.
ટ્રૅવિસ હેડે કહ્યું હતું કે ‘દરેક વ્યક્તિ માનવ છે. તમે તમારા વ્યક્તિગત સમયમાં શું કરો છો એ તમારા પર નિર્ભર છે. હું જાણું છું કે અમે ઉચ્ચ પ્રોફાઇલ જીવન જીવીએ છીએ, પરંતુ આખરે આ વિવાદ થોડો અન્યાયી છે. લોકોએ બૅન ડકેટ સહિતની ટીમને વધુપડતી વખોડી કાઢી. અમે પણ ગઈ ટૂરમાં આવું જ કર્યું હતું. મને તેની સાથે કોઈ વાંધો નથી. મેં બૅન ડકેટનો સંપર્ક કર્યો હતો એ જાણવા કે તે ઠીક છે કે નહીં.’
ઍશિઝ ટેસ્ટ સિરીઝની અંતિમ ટેસ્ટ-મૅચ ૨૦૨૬ની ૪થી ૮ જાન્યુઆરી દરમ્યાન રમાશે. આ પાંચમી ટેસ્ટ-મૅચ પહેલાં ૩-૧થી અજેય લીડ ધરાવનાર ઑસ્ટ્રેલિયન ટીમે પોતાના બે પ્લેયર્સને બિગ બૅશ લીગ (BBL) T20 રમવા માટે ટૂંકા ગાળા માટે રિલીઝ કર્યા છે. વિકેટકીપર બૅટર જોશ ઇંગ્લિસ પર્થ સ્કૉર્ચર્સ અને ફાસ્ટ બોલર બો વેબસ્ટર હોબાર્ટ હરિકેન્સ માટે અમુક મૅચ રમીને કાંગારૂ ટીમની ડ્યુટી માટે પાંચમી ટેસ્ટ-મૅચમાં પરત ફરશે.