દીપિકા-રણવીરની જોડીને પણ આઇપીએલની ટીમ ખરીદવી છે

23 October, 2021 03:28 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

અદાણી, ગોએન્કા અને મૅન્ચેસ્ટર યુનાઇટેડની બિડને જોરદાર ટક્કર મળશે

દીપિકા-રણવીરની જોડીને પણ આઇપીએલની ટીમ ખરીદવી છે

ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)નો બૉલીવુડ સાથેનો સંબંધ વધુ ગાઢ બનવા જઈ રહ્યો છે. બીસીસીઆઇએ અંદાજે ૭૦૦૦ કરોડથી ૧૦,૦૦૦ કરોડ રૂપિયામાં નવી બે ટીમ વેચવાની જાહેરાત કરી છે અને એ બે ટીમ ખરીદવા માટેની રેસમાં ઇંગ્લિશ પ્રીમિયર લીગ ફુટબૉલ સ્પર્ધાની માલિકી ધરાવતી મૅન્ચેસ્ટર યુનાઇટેડ ક્લબ ઉપરાંત અદાણી ગ્રુપ અને આરપી-સંજીવ ગોએન્કા ગ્રુપ ઉપરાંત હવે બૉલીવુડની અભિનેત્રી દીપિકા પાદુકોણ અને તેનો ઍક્ટર-હસબન્ડ રણવીર સિંહ પણ છે.
ફુટબૉલના સુપરસ્ટાર ક્રિસ્ટિયાનો રોનાલ્ડો જે ટીમમાં છે એ મૅન્ચેસ્ટર યુનાઇટેડ ટીમની માલિકી ગ્લેઝર ફૅમિલી પાસે છે અને આ ફૅમિલી આઇપીએલની ટીમ ખરીદવા ખૂબ સક્રિય છે. બિડને લગતા દસ્તાવેજો ખરીદવામાં આવી ચૂક્યા છે એટલે હવે ગણતરીના દિવસોમાં બે નવી ટીમના માલિકોનાં નામની જાહેરાત કરવામાં આવશે.
બૉલીવુડનો પહેલેથી જ આઇપીએલ સાથે ગાઢ સંબંધ રહ્યો છે. શાહરુખ ખાન અને જુહી ચાવલા કલકત્તા નાઇટ રાઇડર્સનાં સહ-માલિકો છે, જ્યારે પ્રીતિ ઝિન્ટા પંજાબ કિંગ્સ ટીમનો સ્ટેક ધરાવે છે. બીજી તરફ દીપિકા પાદુકોણનો ખેલજગત સાથે એક રીતે સંબંધ છે. તેના પિતા પ્રકાશ પાદુકોણ ભારતના ભૂતપૂર્વ બૅડ્મિન્ટન ચૅમ્પિયન છે. રણવીર સિંહ થોડા સમયથી ઇંગ્લિશ પ્રીમિયર લીગ સાથે સંકળાયેલો છે અને બાસ્કેટબૉલ જગતની સૌથી લોકપ્રિય લીગ, એનબીએનો તે બ્રૅન્ડ-ઍમ્બૅસૅડર છે.
બીજી કંપનીઓને પણ છે રસ
આઇપીએલની બે નવી ટીમ ખરીદવામાં ટૉરન્ટ ફાર્મા તથા ઑરોબિન્દો ફાર્માને અને નવીન જિન્દલ ગ્રુપને તથા ઑન્ટ્રપ્રનર રૉની સ્ક્રૂવાલાને તેમ જ સિંગાપોર સ્થિત એક પ્રાઇવેટ ઇક્વિટી કંપનીને તેમ જ અમેરિકાના વેન્ચર કૅપિટલિસ્ટોને પણ રસ હોવાનું જાણવા મળ્યું છે.
પચીસમી ઑક્ટોબરે રિઝલ્ટ
આઇપીએલની હજી સુધી આઠ ટીમ છે. જોકે પચીસમી ઑક્ટોબરે દુબઈમાં (ભારત-પાકિસ્તાન મૅચના બીજા દિવસે) બે નવી ટીમની જાહેરાત કરવામાં આવશે. સૌરવ ગાંગુલીના પ્રમુખપદ હેઠળની બીસીસીઆઇ દ્વારા એલિમિનેશન રાઉન્ડ યોજાશે અને તમામ બિડને નિયમ મુજબ ચકાસવામાં આવશે. તમામ સફળ બિડને ખોલવામાં આવશે અને હાઇએસ્ટ બિડરને ટીમના માલિક ઘોષિત કરવામાં આવશે. એ સાથે, આઇપીએલમાં ટીમની સંખ્યા ૧૦ થઈ જશે.

ranveer singh deepika padukone sports news sports cricket news indian premier league