22 July, 2026 11:56 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
જેમિમા રૉડ્રિગ્સ સધર્ન બ્રેવ માટે રમશે
ઇંગ્લૅન્ડમાં રમાતી ૧૦૦-૧૦૦ બૉલની ધ હન્ડ્રેડની મેન્સ અને વિમેન્સની છઠ્ઠી સીઝન ગઈ કાલે શરૂ થઈ હતી. વિમેન્સ ટુર્નામેન્ટની ૮ ટીમોમાંથી ત્રણ ટીમોમાં ૪ ભારતીય ખેલાડીઓ પણ રમતી જોવા મળશે.
ભારતની વાઇસ-કૅપ્ટન સ્મૃતિ માન્ધના અને વિકેટકીપર-બૅટર રિચા ઘોષ મૅન્ચેસ્ટર સુપર જાયન્ટ્સનો ભાગ છે. સ્ટાર બૅટર જેમિમા રૉડ્રિગ્સ સધર્ન બ્રેવ અને સ્પિન ઑલરાઉન્ડર દીપ્તિ શર્મા સનરાઇઝર્સ લીડ્સ માટે રમશે.
હાલમાં જ ૩૦ વર્ષની થયેલી સ્મૃતિ માન્ધના ૨૦૨૧થી ૨૦૨૪ દરમ્યાન ૪ સીઝન સધર્ન બ્રેવ માટે આ ટુર્નામેન્ટમાં રમી હતી. તેણે ૨૯ મૅચમાં પાંચ સદીની મદદથી ૬૭૬ રન કર્યા હતા. પચીસ વર્ષની જેમિમા રૉડ્રિગ્સે ૨૦૨૧થી ૨૦૨૩ દરમ્યાન ત્રણ સીઝન સનરાઇઝર્સ લીડ્સ માટે રમીને ૧૯ મૅચમાં ૪ ફિફ્ટીની મદદથી ૪૫૩ રન કર્યા હતા.
બાવીસ વર્ષની રિચા ઘોષ ૨૦૨૩માં લંડન સ્પિરિટ્સ માટે અને ૨૦૨૪માં બર્મિંગમ ફીનિક્સ માટે રમી હતી. તેણે આ ટુર્નામેન્ટની ૧૧ મૅચમાં ૧૬૯ રન કરવાની સાથે વિકેટકીપર તરીકે ૭ કૅચ પણ પકડ્યા છે. ૨૮ વર્ષની દીપ્તિ શર્મા ૨૦૨૧ અને ૨૦૨૪ એમ બે સીઝનમાં લંડન સ્પિરિટ્સ માટે રમી હતી. તેણે ૧૬ મૅચમાં ૨૮૯ રન કરવાની સાથે ૧૮ વિકેટ પણ લીધી હતી.