✕

આજથી કાંગારૂઓ અને અંગ્રેજો વચ્ચે વન-ડે સિરીઝનો પ્રારંભ

13 November, 2026 09:25 AM IST  |  Australia | Gujarati Mid-day Correspondent

છેલ્લી ત્રણેય સિરીઝમાં આૅસ્ટ્રેલિયન ટીમ વિજેતા રહી છે, હરીફની ધરતી પર ઇંગ્લૅન્ડ માત્ર એક વન-ડે સિરીઝ જીત્યું છે.

વન-ડે સિરીઝની ટ્રોફી સાથે ઇંગ્લૅન્ડનો કૅપ્ટન હૅરી બ્રૂક અને ઑસ્ટ્રેલિયન કૅપ્ટન મિચલ માર્શ

આજથી ઑસ્ટ્રેલિયા અને ઇંગ્લૅન્ડ વચ્ચે ૩ વન-ડે મૅચની સિરીઝ શરૂ થઈ રહી છે. પહેલી મૅચ આજે પર્થમાં રમાશે. ૧૫ નવેમ્બરે બીજી મૅચ ઍડિલેડ અને ત્રીજી મૅચ હૉબાર્ટમાં રમાશે. ભારતીય સમય અનુસાર ત્રણેય મૅચ સવારે ૯ વાગ્યાથી શરૂ થશે.

બન્ને ટીમો વચ્ચે સપ્ટેમ્બર ૨૦૨૪ પછી પહેલી વખત વન-ડે સિરીઝ રમાશે. બાવીસ વન-ડે સિરીઝમાંથી ઑસ્ટ્રેલિયા ૧૩ સિરીઝમાં અને ઇંગ્લૅન્ડ ૮ સિરીઝમાં વિજેતા રહ્યું છે. ૧૯૮૯માં એક સિરીઝ ડ્રૉ રહી હતી. છેલ્લી ત્રણેય સિરીઝમાં ઑસ્ટ્રેલિયા વિજેતા રહ્યું છે.

ઇંગ્લૅન્ડની ટીમ ઑસ્ટ્રેલિયામાં પાંચ વન-ડે દ્વિપક્ષીય સિરીઝ રમી છે એમાંથી માત્ર જાન્યુઆરી ૨૦૧૮ની સિરીઝમાં ૪-૧થી જીત નોંધાવી શકી હતી. અંગ્રેજ ટીમ અહીં છેલ્લે નવેમ્બર ૨૦૨૨માં વન-ડે સિરીઝ રમી હતી.

વન-ડે મૅચોના રેકૉર્ડમાં ઑસ્ટ્રેલિયાનો દબદબો રહ્યો છે. ૧૬૨ વન-ડે મૅચોમાંથી ઑસ્ટ્રેલિયા ૯૨ મૅચ અને ઇંગ્લૅન્ડ ૬૫ મૅચ જીત્યું છે. બે મૅચ ટાઇ રહી છે અને ૩ મૅચ નો-રિઝલ્ટ રહી હતી. ૨૦૨૨થી ૨૦૨૫ વચ્ચે રમાયેલી ૧૦ વન-ડે મૅચમાંથી માત્ર બે મૅચમાં ઇંગ્લૅન્ડની ટીમ કાંગારૂઓને માત આપી શકી છે.

australia england one day international odi cricket news sports news sports