મુંબઈ અને કલકત્તાના સ્ટાર બૅટરોએ બતાવવો પડશે દમ

23 September, 2021 04:55 PM IST  |  Mumbai | Agency

બન્ને ટીમને આ સીઝનમાં ટૉપના ખેલાડીઓના બૅટિંગ ફોર્મની ચિંતા સતાવી રહી છે ઃ રોહિત અને હાર્દિકના રમવા અંગે હજી પણ સસ્પેન્સ

મુંબઈ અને કલકત્તાના સ્ટાર બૅટરોએ બતાવવો પડશે દમ

આજે અબુ ધાબીમાં પાંચ વખતના અને હાલના ચૅમ્પિયન મુંબઈ ઇન્ડિયન્સ તથા ૨૦૧૨ અને ૨૦૧૪ના વિજેતા કલકત્તા નાઇટ રાઇડર્સ વચ્ચે જંગ જામવાનો છે. આ ૧૪મી સીઝનમાં બીજા હાફની શરૂઆત મુંબઈએ ચેન્નઈ સામે હાર સાથે કરી હતી, જ્યારે કલકત્તાએ બોલરોની કમાલના જોરે બૅન્ગલોરને પછાડીને કરી હતી. 
ચૅમ્પિયન મુંબઈ અત્યારે આઠ મૅચમાં ચાર જીત અને ચાર હાર સાથે ચોથા નંબરે છે જ્યારે કલકત્તા આઠમાંથી ૩ જીત અને પાંચ હાર સાથે છઠ્ઠા નંબરે છે.
રોહિત-હાર્દિક ડાઉટફુલ
ચેન્નઈ સામે મુંબઈનો કૅપ્ટન રોહિત શર્મા અને સ્ટાર ઑલરાઉન્ડર હાર્દિક પંડ્યા ઇન્જરીને લીધે નહોતા રમ્યા, પણ કોચે જણાવ્યું હતું કે તેમની ઈજા મામૂલી જ છે અને બીજી મૅચમાં તેઓ ઉપલબ્ધ હશે. જોકે ગઈ કાલે ટ્રેન્ટ બોલ્ટે જણાવ્યું હતું કે બન્ને ધીમે-ધીમે રિક્વર થઈ રહ્યા છે, પણ તેણે કન્ફર્મ નહોતું કર્યું કે તેઓ કલકત્તા સામે રમશે કે નહીં. 
મિડલ ઑર્ડરે જાગવું પડશે
બન્ને ટીમને તેમના મિડલ ઑર્ડર બૅટ્સમેનોના નબળા ફોર્મની ચિંતા સતાવી રહી છે. સૂર્યકુમાર યાદવ આઠ મૅચમાં ૨૨ની ઍવરેજથી ૧૭૬ રન બનાવી શક્યો છે, જ્યારે ઇશાન કિશન ૬ મૅચમાં ૧૪ની ઍવરેજથી ૮૪ રન. હાર્દિક પંડ્યા પણ પાવર નથી બતાવી શક્યો અને સાત મૅચમાં ૮.૬૬ની ઍવરેજથી માત્ર બાવન રન જ બનાવી શક્યો છે. પોલાર્ડે એકાદ મૅચમાં જ ચમકારો બતાવ્યો છે અને તેણે ૮ મૅચમાં ૧૮૩ રન જ બનાવ્યા છે. જ્યારે કલકત્તા વતી આઠ મૅચમાં રાહુલ ત્રિપાઠી ૧૮૭, ઍન્દ્રે રસેલ ૧૬૩, કૅપ્ટન ઓઇન મૉર્ગન ૯૨ અને દિનેશ કાર્તિક ૧૨૩ રન જ બનાવી શક્યા છે. 
મુંબઈ વતી બોલિંગમાં રાહુલ ચહલ ૧૧ વિકેટ સાથે ટૉપમાં છે અને ત્યાર બાદ ટ્રેન્ટ બોલ્ટે ૧૦ અને બુમરાહે ૮ વિકેટ લીધી છે. જ્યારે કલકત્તા વતી બોલિંગનો ભાર રસેલ અને છેલ્લી મૅચનો હીરો વરુણ ચક્રવર્તી ૧૦-૧૦ વિકેટ સાથે ઉઠાવી રહ્યા છે. પહેલી મૅચના પર્ફોર્મન્સ બાદ મુંબઈએ આજે વરુણ ચક્રવર્તી સામે ખૂબ જ સાવધ રીતે રમવું પડશે.
 
૧૩માંથી ૧૨માં મુંબઈની જીત

મુંબઈ અને કલકત્તા વચ્ચે અત્યાર સુધી ૨૮ મૅચો રમાઈ છે જેમાં ૨૨ જીત સાથે મુંબઈએ તેનો દબદબો બનાવ્યો છે. કલકત્તા પણ આઠ વાર મુંબઈને પછાડવા સફળ રહ્યું છે. છેલ્લા ૧૩ મુકાબલાઓ પર નજર કરીએ તો ૧૨માં મુંબઈનો જ વિજય થયો છે અને કલકત્તા એક જ વાર જીત મેળવી શકી છે.

18
જો આજે રોહિત શર્મા રમ્યો અને આટલા રન બનાવ્યા તો તે આઇપીએલમાં એક જ ટીમ સામે ૧૦૦૦ રન બનાવનાર પ્રથમ ખેલાડી બની જશે. 

cricket news sports news sports ipl 2021