ભારતીય મહિલા ટીમ પર વાઇટ-વૉશનો ખતરો

26 September, 2021 03:14 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ઑસ્ટ્રેલિયા સામે પહેલી બન્ને વન-ડેમાં હાર્યા બાદ આજે ત્રીજી અને છેલ્લી મૅચ

ભારતીય મહિલા ટીમ પર વાઇટ-વૉશનો ખતરો

ઑસ્ટ્રેલિયન સિરીઝની પ્રથમ વન-ડેમાં ભારતીય મહિલા ટીમે સાવ આસાનીથી હથિયાર નાખી દીધાં હતાં, પણ શુક્રવારે બીજી વન-ડેમાં શાનદાર કમબૅક સાથે છેલ્લા બૉલ સુધી લડી હતી. જોકે ઝુલન ગોસ્વામી જેવી અનુભવી બોલરે છેલ્લી ઓવરમાં બે નો-બૉલ સાથે લહાણી કરતાં હાથમાં આવેલી જીત છીનવાઈ ગઈ હતી. આજે સિરીઝની છેલ્લી અને ત્રીજી વન-ડેમાં ભારતીય ટીમ હવે વાઇટ-વૉશની નામોશી ખાળવા મેદાનમાં ઊતરશે અને એ માટે ભારતીય બોલરોએ કમર કસવી પડશે. બન્ને મૅચમાં ભારતીય બોલરો ખાસ કંઈ દમ નથી બતાવી શકી. ઝુલન ગોસ્વામી મોટા ભાગે એકલા હાથે બોલિંગનો ભાર સંભાળી રહી છે. તેને હજી સુધી યોગ્ય જોડીદાર નથી મળી. સ્પિનરો ટીમની મુખ્ય સ્ટ્રેંગ્થ છે, પણ આજકાલ મજબૂત ટીમો બરાબર તૈયારી સાથે આવી રહી છે અને તેમને આસાનીથી ફટકારી પણ રહી છે. 
શુક્રવારની થ્રિલર મૅચમાં હાર્યા બાદ મોટા ભાગે હારનાર ટીમ કૉન્ફિડન્સ ગુમાવી બેસતી હોય છે એથી આજે કૅપ્ટન અને ટીમ મૅનેજમેન્ટે ટીમ પર એ હારની અસર ન થાય એ ખાસ જોવું પડશે.  જો ભારતીય ટીમ આજે પણ હારીને સિરીઝ ૦-૩થી ગુમાવી બેસશે તો આ તેમની છેલ્લી ૧૧ વન-ડેમાં નવમી હાર હશે. આમ સતત હારના સિલસિલાને લીધે આવતા વર્ષે ન્યુ ઝીલૅન્ડમાં રમાનારા વન-ડે વર્લ્ડ કપ માટે ભારતીય ટીમને તૈયારીમાં મોટો અવરોધ બની શકે છે. 

sports news sports cricket news