15 June, 2026 12:43 PM IST | Bangladesh | Gujarati Mid-day Correspondent
નઇમ હસન
બંગલાદેશમાં હાલમાં ૨૬ વર્ષના સ્પિન બોલિંગ ઑલરાઉન્ડર નઈમ હસન સાથે આઘાતજનક બનાવ બન્યો હતો. ઢાકા પ્રીમિયર લીગની મૅચમાં ભાગ લઈને ઍરપોર્ટથી ચટ્ટોગ્રામમાં ઘરે પાછા ફરતી વખતે શુક્રવારે રાત્રે લાલખાન બજાર વિસ્તારમાં નઈમ હસનની રિક્ષા રોકવામાં આવી હતી.
તપાસને બહાને તેને ગળાના ભાગથી પકડીને બીજી રિક્ષામાં ધકેલીને પોલીસ-સ્ટેશન લઈ જવાયો હતો. પોતાની ઓળખ ક્રિકેટર તરીકે આપવા છતાં તેની પાઇપ વડે મારપીટ કરવામાં આવી હતી. ઘટનાની જાણ થતાં ૧૦૦ જેટલા સ્થાનિક ક્રિકેટ-ફૅન્સ ભેગા થતાં ખુલશી પોલીસ-સ્ટેશનમાંથી તેને શનિવારે વહેલી સવારે છોડી મૂકવામાં આવ્યો હતો.
ચટ્ટોગ્રામ મેટ્રોપૉલિટન પોલીસ કમિશનરે આ કેસ મામલે નઈમ હસનને ઘરે પહોંચી મુલાકાત કરી છે. આ ઘટના સાથે જોડાયેલા ત્રણ પોલીસ-અધિકારીઓને સસ્પેન્ડ કરીને ત્રણ સભ્યોની તપાસ સમિતિ પણ નીમવામાં આવી છે. બંગલાદેશ ક્રિકેટ બોર્ડ અને ક્રિકેટર્સે આ બાબતે ન્યાયની માગણી કરી છે.
નઈમ હસનને ૧૫ સભ્યોની બંગલાદેશ ટીમમાં સ્થાન આપવામાં આવ્યું છે જે આ મહિનાના અંતમાં એકમાત્ર ટેસ્ટ-મૅચ માટે ઝિમ્બાબ્વે જશે. નઈમે વર્ષ ૨૦૧૮માં ડેબ્યુ કર્યા પછી ૧૪ ટેસ્ટ-મૅચ રમ્યો છે.