ધરમશાલામાં પહેલી વખત જીત્યું મુંબઈ, પંજાબને મળી લાગલગાટ પાંચમી હાર

15 May, 2026 02:51 PM IST  |  Dharamshala | Gujarati Mid-day Correspondent

પંજાબે આપેલો ૨૦૧ રનનો ટાર્ગેટ મુંબઈએ એક બૉલ બાકી રાખીને ૨૦૫ રન કરીને ચેઝ કર્યો, તિલક વર્માએ ૩૩ બૉલમાં ૭૫ રન કરીને વિજય અપાવ્યો...

તિલક વર્માએ ૭૫ રન ફટકાર્યા હતા

ગઈ કાલે મુંબઈ સામે ૬ વિકેટે કારમી હાર મેળવીને પંજાબે સતત પાંચમી હાર નોંધાવી હતી. પંજાબે સમયાંતરે વિકેટ ગુમાવવા છતાં ૨૦ ઓવરમાં ૮ વિકેટે ૨૦૦ રન કર્યા હતા.

અંતિમ ત્રણ ઓવરમાં જ્યારે ૫૦ રનની જરૂર હતી ત્યારે તિલક વર્મા અને વિલ જૅક્સની તોફાની બૅટિંગ કામ લાગી અને મુંબઈએ ૧૯.૫ ઓવરમાં ૪ વિકેટે ૨૦૫ રન કરીને ધરમશાલામાં પહેલી જીત મેળવી હતી. અગાઉ ૨૦૧૩માં પંજાબ સામેની મૅચમાં ૫૦ રને હાર મળી હતી.

ટૉસ હારીને પહેલાં બૅટિંગ કરનાર પંજાબ માટે ઓપનર પ્રભસિમરન સિંહે ૩૨ બૉલમાં ૬ ફોર અને ૪ સિક્સની મદદથી ૫૭ રન કર્યા હતા. સાતમા ક્રમે રમીને અઝમતુલ્લાહ ઓમરઝાઈએ ૧૭ બૉલમાં બે ફોર અને ૭ સિક્સની મદદથી ૩૮ રન કર્યા હતા.

મુંબઈ માટે શાર્દૂલ ઠાકુરે ૩૯ રન આપીને ૪ વિકેટ લીધી હતી. દીપક ચાહરે બે વિકેટ અને કૉર્બિન બોર્શ અને રાજ અંગદ બાવાને એક-એક સફળતા મળી હતી.

રન-ચેઝ દરમ્યાન મુંબઈના ઓપનર રાયન રિકલ્ટને ૨૩ બૉલમાં ૪ ફોર અને ૪ સિક્સની મદદથી ૪૮ રન કરીને મજબૂત શરૂઆત અપાવી હતી. ઇમ્પૅક્ટ પ્લેયર રોહિત શર્મા ૨૬ બૉલમાં પચીસ રન કરી શક્યો હતો.

તિલક વર્મા ૩૩ બૉલમાં ૬ ફોર અને ૬ સિક્સ ફટકારીને ૭૫ રનની મૅચ વિનિંગ ઇનિંગ્સ રમ્યો હતો. વિલ જૅક્સ પણ ૧૦ બૉલમાં પચીસ રન કરીને ટકી રહ્યો હતો. પંજાબ માટે ફાસ્ટ બોલર અઝમતુલ્લાહ ઓમરઝાઈએ ૩૬ રન આપીને બે વિકેટ લીધી હતી.

40 IPLમાં ૨૦૦ કે એથી વધુ રનનો સ્કોર આટલી વખત કરીને પંજાબે બૅન્ગલોર અને ચેન્નઈની બરાબરી કરી.

tilak varma mumbai indians punjab kings IPL 2026 cricket news sports news