હજી ૩૬ વર્ષનો જ છું, ઍશિઝમાં હું કૅપ્ટન્સી સંભાળવા સક્ષમ છું : ટિમ પેઇન

18 September, 2021 01:46 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

વિકેટકીપરે ગરદનમાં સર્જરી કરાવી : દોઢ મહિનો આરામ કરશે

ટિમ પેઇન

ઑસ્ટ્રેલિયાના ટેસ્ટ-સુકાની ટિમ પેઇને ગરદનમાં સર્જરી કરાવી છે અને ડૉક્ટરે તેને છ અઠવાડિયાં આરામ કરવાનું કહ્યું છે. જોકે આગામી ડિસેમ્બરમાં કટ્ટર હરીફ ઇંગ્લૅન્ડ સામે શરૂ થનારી ઍશિઝ ટેસ્ટ-સિરીઝ માટેની ઑસ્ટ્રેલિયન ટીમનું નેતૃત્વ (જો પેઇનને સોંપવું હોય તો) કોને સોંપી શકાય એ બાબતમાં ઑસ્ટ્રેલિયન ક્રિકેટમાં અટકળો થઈ રહી છે, પરંતુ પેઇને એક રેડિયો-મુલાકાતમાં આત્મવિશ્વાસ વ્યક્ત કરતાં કહ્યું હતું કે ‘હું હજી ૩૬ વર્ષનો જ છું. મેં છેલ્લા થોડા મહિનામાં ક્રિકેટની ઘણી પ્રૅક્ટિસ કરી છે. એક વાર ગરદનની આ ઈજામાંથી પૂરેપૂરો મુક્ત થઈ જઈશ એટલે પાછો મેદાન પર આવી જઈશ. હું મારી કાર્યપદ્ધતિને અને મારા પર્ફોર્મન્સ બાબતે ખૂબ સજાગ છું. મને તક મળશે તો ઍશિઝમાં કૅપ્ટન્સી સંભાળીશ. ઍશિઝને હજી અઢી મહિના બાકી છે અને હું દોઢ મહિનામાં સાજો થઈ જવાનો છું.’

ઍશિઝ સિરીઝ ઑસ્ટ્રેલિયામાં રમાવાની છે. પ્રથમ ટેસ્ટ ગૅબામાં ૮ ડિસેમ્બરથી રમાશે. ઑસ્ટ્રેલિયાનો આ વિકેટકીપર-બૅટ્સમૅન કૅપ્ટન ૬ અઠવાડિયાં આરામ કર્યા બાદ શેફીલ્ડ શીલ્ડની મૅચોમાં રમ્યા પછી જ મોટી સ્પર્ધામાં રમવા મક્કમ છે. ટિમ પેઇનને ઘણા વખતથી ગરદનમાં અને શરીરના ડાબા ભાગમાં જેમાં ખાસ કરીને ડાબા હાથમાં દુખાવો રહેતો હતો જેને કારણે તેણે ગરદનની સર્જરીનો નિર્ણય લીધો હતો.

ડૉક્ટરે ગળામાં કાણું પાડ્યું, સ્વરપેટીને થોડી ખસેડી

ટિમ પેઇને ગરદનમાં ડિસ્ક રિપ્લેસમેન્ટની સર્જરી કરાવી છે. પેઇને ઇન્ટરવ્યુમાં કહ્યું કે ‘ડૉક્ટરે મારી આ ઇન્વેઝિવ સર્જરીની શરૂઆતમાં પહેલાં તો મારા ગળામાં મોટું કાણું કર્યું હતું અને સ્વરપેટીને એના મૂળ સ્થાનેથી થોડી ખસેડી હતી. મને ગરદનમાં અને ગળામાં દુખાવો ઘણો છે, પણ ખાતરી છે કે સમય જતાં સારું થઈ જશે. આવું જ ઑપરેશન કરાવનાર કેટલાક ઍથ્લીટો સાથે મેં વાતચીત કરી છે અને તેમણે મને કહ્યું છે કે હું નિર્ધારિત સમયની અંદર એકદમ સ્વસ્થ થઈ જઈશ.’

sports sports news cricket news australia