નેટ-સેશન દરમ્યાન ગરદન પર બૉલ વાગવાથી ઑસ્ટ્રેલિયાના ટીનેજ ક્રિકેટરે જીવ ગુમાવ્યો

31 October, 2025 05:57 PM IST  |  Melbourne | Gujarati Mid-day Correspondent

ઑટોમૅટિક બૉલ-થ્રોઇંગ ડિવાઇસ સામે તે બૅટિંગ-પ્રૅક્ટિસ કરી રહ્યો હતો, ફર્નટ્રી ગલી ક્રિકેટ ક્લબ ખાતે બનેલી આ ઘટનામાં તેણે હેલ્મેટ પહેરી હતી, પરંતુ નેક ગાર્ડ નહોતું પહેર્યું.

જે પ્રૅક્ટિસ નેટ પાસે આ ઘટના બની ત્યાં બેન ઑસ્ટિનના નજીકના લોકોએ જર્સી, બૅટ અને ફૂલ મૂકીને શ્રદ્ધાંજલિ આપી હતી.

ઑસ્ટ્રેલિયામાં ૨૦૧૪માં બૉલ વાગવાને કારણે જીવ ગુમાવનાર ક્રિકેટર ફિલિપ હ્યુઝની પીડાદાયક યાદો ફરી તાજી થઈ છે. ભારત અને ઑસ્ટ્રેલિયાની બીજી T20 મૅચ પહેલાં મેલબર્નમાં ક્લબ લેવલ પર રમતા ૧૭ વર્ષના ક્રિકેટર બેન ઑસ્ટિનનું મૃત્યુ થયું છે. T20 મૅચ માટેના પ્રૅક્ટિસ-સેશન દરમ્યાન તેની ગરદન પર બૉલ વાગ્યો હોવાથી તેને મંગળવારે ગંભીર હાલતમાં હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. તેને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યો હતો, પરંતુ ગઈ કાલે તેના મૃત્યુની પુષ્ટિ કરવામાં આવી છે. અહેવાલ અનુસાર તે ઑટોમૅટિક બૉલ-થ્રોઇંગ ડિવાઇસની મદદથી બૅટિંગ-પ્રૅક્ટિસ કરી રહ્યો હતો. 

ફર્નટ્રી ગલી ક્રિકેટ ક્લબ ખાતે બનેલી આ ઘટનામાં તેણે હેલ્મેટ પહેરી હતી, પરંતુ નેક ગાર્ડ નહોતું પહેર્યું. આ દુખદ ઘટનાને કારણે રમતના દરેક સ્તરે આવી સુરક્ષા ફરજિયાત બનાવવા માટે હાકલ થવાની શક્યતા છે, જેમ ટોચના સ્તરના ક્રિકેટમાં હોય છે. 

આ‌ૅસ્ટ્રેલિયાના દિવંગત યંગ ક્રિકેટરને નવી મુંબઈમાં મળી શ્રદ્ધાંજલિ 
ઑસ્ટ્રેલિયાના યંગ ક્રિકેટર બેન ઑસ્ટિનને ICC વિમેન્સ વર્લ્ડ કપ 2025 સેમી ફાઇનલ મૅચ દરમ્યાન શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. ઑસ્ટ્રેલિયા અને ભારતની મહિલા ક્રિકેટર્સ સેમી ફાઇનલ મૅચની રસાકસી વચ્ચે કાળી પટ્ટી પહેરીને મેદાન પર રમી હતી. આખું ક્રિકેટજગત આ દુખદ ઘટના પર શોક વ્યક્ત કરી રહ્યું છે.

melbourne navi mumbai dy patil stadium australia india womens world cup indian womens cricket team cricket news sports news sports