07 January, 2025 09:59 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક ફાઈલ તસવીર
ત્રિવેદી મેવાડા બ્રાહ્મણ બારીશી સમાજનાં ગામોની સામાજિક ક્રિકેટનાં પચીસ વર્ષની ભવ્ય સફરની ઉજવણીના ભાગરૂપે આ વર્ષે T20 વાઇટ બૉલ ક્રિકેટ-ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. રવિવારે સમાજના અગ્રણીઓ અને જ્ઞાતિજનોની હાજરીમાં ટુર્નામેન્ટની પ્રથમ લીગ મૅચમાં બાંખોર ટીમ સામે ભીલોડા ટીમના કૅપ્ટન સૅન્ડી ત્રિવેદીએ ટૉસ જીતીને પ્રથમ બૅટિંગ કરવાનું પસંદ કર્યું હતું અને ૨૦ ઓવરમાં ૮ વિકેટે ૧૫૬ રન બનાવ્યા હતા જેમાં ભાવિન ત્રિવેદી (૨૧ બૉલમાં એક સિક્સર અને પાંચ ફોર સાથે ૪૨ રન) અને વ્રજ ઉપાધ્યાય (૪૦ બૉલમાં ચાર ફોરની મદદથી ૩૪ રન)નું મુખ્ય યોગદાન હતું. બાંખોર વતી આશિષ પાઠક અને જીત ઉપાધ્યાયે ૨-૨ વિકેટ લીધી હતી. ૧૫૭ રનના ટાર્ગેટ માટે મેદાનમાં ઊતરેલી બાંખોરની ટીમ કશિશ પંડ્યાની ૩૯ બૉલમાં બે સિક્સર અને ૬ ફોર સાથેની ૫૦ રનની અફલાતૂન ઇનિંગ્સ છતાં ૨૦ ઓવરમાં ૭ વિકેટે ૧૪૨ રન જ બનાવી શકી હતી અને ૧૪ રનથી પરાજય જોવો પડ્યો હતો. ભીલોડા વતી વ્રજ ઉપાધ્યાયે ચાર ઓવરમાં માત્ર ૧૦ રન આપીને તથા કૅપ્ટન સૅન્ડી ત્રિવેદીએ ચાર ઓવરમાં ૨૯ રન આપને બે-બે વિકેટ લીધી હતી.
હવે રવિવાર, ૧૨ જાન્યુઆરીએ બાંખોર વિરુદ્ધ રીંટોડા તથા બામણા વિરુદ્ધ ભીલોડા વચ્ચે ક્રૉસ મેદાનમાં ટક્કર જામશે.
આયોજક પ્રફુલ ઉપાધ્યાયના જણાવ્યા પ્રમાણે આ વર્ષે ડેબ્યુ કરનાર દરેક ખેલાડીને ક્રિકેટ શૂઝ વૅલકમ કિટ રૂપે આપવામાં આવ્યાં હતાં.