16 September, 2025 02:13 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
UAEના કૅપ્ટન મુહમ્મદ વસીમે ૫૪ બૉલમાં ૬૯ રન કર્યા હતા.
ગઈ કાલે અબુ ધાબીમાં કામચલાઉ યજમાન યુનાઇટેડ આરબ એમિરેટ્સ (UAE)એ ઓમાનને ૪૨ રને હરાવીને એશિયા કપ અભિયાનની પહેલી જીત નોંધાવી. ટૉસ હારીને પહેલાં બૅટિંગ કરતાં UAEએ ઓપનર્સની અગિયાર ઓવરમાં ૮૮ રનની ભાગીદારીથી પાંચ વિકેટે ૧૭૨ રન કર્યા હતા. ઓમાનની ટીમ ૧૮.૪ ઓવરમાં ૧૦ વિકેટે ૧૩૦ રનના સ્કોર સુધી પહોંચી શકી હતી. ઓમાન સામે આ ફૉર્મેટમાં UAEની આ હૅટ-ટ્રિક જીત પણ છે. ગ્રુપ-Aમાં નંબર-વન ભારત બાદ બીજા ક્રમે રહેવા પાકિસ્તાન અને UAE વચ્ચે રસાકસી જોવા મળશે. ઓમાન સતત બીજી મૅચ હાર્યું છે.
ઓમાનના ફાસ્ટ બોલર જિતેન રામાનંદી (૨૪ રનમાં બે વિકેટ)ના પ્રભાવશાળી પ્રદર્શનની વચ્ચે UAEના ઓપનર્સ આલીશાન શર્ફૂ (૩૮ બૉલમાં ૫૧ રન) અને કૅપ્ટન મુહમ્મદ વસીમ (૫૪ બૉલમાં ૬૯ રન)એ ૮૮ રનની પાર્ટનરશિપની મદદથી મોટો સ્કોર ઊભો કર્યો. ઓમાને રનચેઝ સમયે ૬.૫ ઓવરમાં ૫૦ રનના સ્કોર પર પાંચ વિકેટ ગુમાવી હતી. છઠ્ઠી વિકેટ માટે આર્યન બિષ્ટ (૩૨ બૉલમાં ૨૪ રન) અને વિનાયક શુક્લ (૧૭ બૉલમાં ૨૦ રન)ની ૩૬ બૉલમાં ૩૮ રનની ભાગીદારીથી ટીમે સન્માનજનક સ્કોર કર્યો હતો. UAEના ફાસ્ટ બોલર જુનૈદ સિદ્દીક (૨૩ રનમાં ચાર વિકેટ)એ હરીફ ટીમની રનની ગતિને ધીમી રાખી હતી.
ગ્રુપ-Aમાં બીજા ક્રમ માટે પાકિસ્તાન અને UAE વચ્ચે રસાકસી