અન્ડર-19 વન-ડે વર્લ્ડ કપમાં અમેરિકાને કચડીને ભારતે કરી વિજયી શરૂઆત

16 January, 2026 04:01 PM IST  |  America | Gujarati Mid-day Correspondent

અમેરિકા ૧૦૭ રનમાં સમેટાયું, ભારતે DLS મેથડથી મળેલો ૯૬ રનનો ટાર્ગેટ સહેલાઈથી ચેઝ કર્યો, અન્ડર-19 વન-ડે વર્લ્ડ કપ 2026માં ભારતીય ટીમે અમેરિકા સામે DLS મેથડથી ૬ વિકેટે જીત મેળવીને વિજયી શરૂઆત કરી હતી. અમેરિકા ૩૫.૨ ઓવરમાં ૧૦૭ રન કરીને ઑલઆઉટ થઈ ગયું હતું.

ભારત સામેની અમેરિકન પ્લેઇંગ ઇલેવનમાં જોવા મળ્યા ભારતીય મૂળના ક્રિકેટર્સ.

અન્ડર-19 વન-ડે વર્લ્ડ કપ 2026માં ભારતીય ટીમે અમેરિકા સામે DLS મેથડથી ૬ વિકેટે જીત મેળવીને વિજયી શરૂઆત કરી હતી. અમેરિકા ૩૫.૨ ઓવરમાં ૧૦૭ રન કરીને ઑલઆઉટ થઈ ગયું હતું. ભારતે DLS મેથડથી મળેલા ૯૬ રનના ટાર્ગેટને ૧૭.૨ ઓવરમાં ૪ વિકેટે ૯૯ રન કરીને ચેઝ કરી લીધો હતો. 
અમેરિકાએ ૧૬ ઓવરમાં ૩૯ રનના સ્કોરે પાંચ વિકેટ ગુમાવી દીધી હતી. વલસાડના ફાસ્ટ બોલર હેનિલ પટેલે ૭ ઓવરમાં માત્ર ૧૬ રન આપીને પાંચ વિકેટ લીધી હતી. બિહારના વન્ડરબૉય વૈભવ સૂર્યવંશીએ પોતાની પહેલી ઓવરના બીજા જ બૉલમાં હાઇએસ્ટ રન-સ્કોરર બૅટરની વિકેટ લઈને હરીફ ટીમને ઑલઆઉટ કરી હતી. અમેરિકા માટે છઠ્ઠા ક્રમે રમીને નીતીશ સુદિનીએ બાવન બૉલમાં સૌથી વધુ ૩૬ રન કર્યા હતા. 
સ્ટાર બૅટર વૈભવ સૂર્યવંશી ત્રીજી ઓવરમાં ૪ બૉલમાં બે રન કરીને બોલ્ડ થઈ ગયો હતો. પાંચ ઓવરમાં ભારતનો સ્કોર બે વિકેટે ૨૧ રન હતો ત્યારે વરસાદને કારણે મૅચ અટકી હતી. DLS મેથડથી ભારતને ૩૭ ઓવરમાં ૯૬ રનનો ટાર્ગેટ મળ્યો હતો. વિકેટકીપર-બૅટર અભિજ્ઞાન કુંડુના ૪૧ બૉલમાં ૪૨, આયુષ મ્હાત્રેના ૧૯ અને વિહાન મલ્હોત્રાના ૧૮ રનના આધારે ભારતે સરળતાથી ટાર્ગેટ ચેઝ કર્યો હતો.

ટીમ ઇન્ડિયા સામે અમેરિકાની અન્ડર-19 ટીમ છે કે ભારતની B ટીમ?
સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ પર હાલમાં અમેરિકાની અન્ડર-19 વર્લ્ડ કપની ટીમ ભારે ચર્ચામાં છે. આ ટીમના તમામ ૧૫ ક્રિકેટર્સ ભારતીય મૂળના છે. સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ પર આ અમેરિકન સ્કવૉડને જોઈને યુઝર્સે કમેન્ટ કરી છે કે આ તો ઇન્ડિયાની B ટીમ લાગે છે, આ ઇન્ટરનૅશનલ ક્રિકેટ નથી લાગતું, ભવિષ્યમાં ભારતીયો જ ક્રિકેટ રમતા જોવા મળશે.
અમેરિકન ટીમનો કૅપ્ટન ઉત્કર્ષ શ્રીવાસ્તવ મહારાષ્ટ્રના પુણેમાં જન્મ્યો છે. મેન્સ અન્ડર-19 વન-ડે વર્લ્ડ કપમાં અમેરિકન ટીમ ૨૦૧૪, ૨૦૨૦ અને ૨૦૨૨ બાદ ચોથી વખત ભાગ લઈ રહી છે. 

આજની મૅચનું શેડ્યુલ 
પાકિસ્તાન VS ઇંગ્લૅન્ડ
ઑસ્ટ્રેલિયા VS આયરલૅન્ડ
અફઘાનિસ્તાન VS સાઉથ આફ્રિકા 

ગઈ કાલની અન્ય બે 
મૅચમાં શું થયું હતું? 
ઝિમ્બાબ્વે VS સ્કૉટલૅન્ડની મૅચ વરસાદને કારણે રદ થઈ હતી. 
વેસ્ટ ઇન્ડીઝે તાંઝાનિયા સામે ૧૨૩ રનનો ટાર્ગેટ ચેઝ કરીને પાંચ વિકેટે જીત મેળવી હતી.

united states of america India under 19 cricket world cup international cricket council cricket news sports news sports