16 February, 2026 01:13 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સંજય કૃષ્ણમૂર્તિએ ૨૦૬.૦૬ના સ્ટ્રાઇક-રેટથી બૅટિંગ કરીને ૩૩ બૉલમાં ૪ ફોર અને ૬ સિક્સના આધારે અણનમ ૬૮ રન ફટકાર્યા હતા અને મોનાંક પટેલે ૩૦ બૉલમાં ૩ ફોર અને ૩ સિક્સના આધારે બાવન રન કર્યા હતા.
ચેન્નઈમાં ગઈ કાલે અમેરિકાએ ૩૧ રને જીત મેળવીને ગ્રુપ Aમાં ટૉપ ટૂ ટીમ બનીને રેસમાંથી નામિબિયાને બહાર કર્યું હતું. અમેરિકાએ બે શાનદાર ફિફ્ટીના આધારે ૪ વિકેટ ગુમાવીને ૧૯૯ રન કર્યા હતા. જવાબમાં નામિબિયાની ટીમ ૬ વિકેટે ૧૬૮ રન જ કરી શકી હતી. અમેરિકા સામે T20માં અને વર્તમાન વર્લ્ડ કપમાં સતત ત્રીજી હાર સાથે નામિબિયા ટ્રોફી જીતવાની રેસમાંથી બહાર થનારી ટીમોમાં ત્રીજી ટીમ બની હતી.
અમેરિકન કૅપ્ટન મોનાંક પટેલે ૩૦ બૉલમાં ૩ ફોર અને ૩ સિક્સના આધારે બાવન રનનો સ્કોર કરીને શાનદાર શરૂઆત અપાવી હતી. ચોથા ક્રમે ઊતરી સંજય કૃષ્ણમૂર્તિએ ૨૦૬.૦૬ના સ્ટ્રાઇક-રેટથી બૅટિંગ કરીને પ્લેયર ઑફ ધ મૅચ અવૉર્ડ સુનિશ્ચિત કરી લીધો હતો. તેણે માત્ર ૩૩ બૉલમાં ૪ ફોર અને ૬ સિક્સના આધારે અણનમ ૬૮ રન ફટકાર્યા હતા. નામિબિયાના સ્પિનર્સ વિલેમ માયબર્ગ અને ગેરહાર્ડ એરાસ્મસને બે-બે સફળતા મળી હતી.
નામિબિયાના ઓપનર લૉરેન સ્ટીનકૅમ્પે ટીમ માટે ૩૯ બૉલમાં પાંચ ફોર, ૩ સિક્સ ફટકારીને સૌથી વધુ ૫૮ રન કર્યા હતા. અમેરિકાના પેસ બોલર શૅડલી વૅન શાલ્કવિકે બે વિકેટ લઈને ટુર્નામેન્ટની એક સીઝનમાં અસોસિએટ નેશનના બોલર તરીકે હાઇએસ્ટ ૧૩ વિકેટ લેવાના રેકૉર્ડની બરાબરી કરી હતી.
8
અમેરિકા માટે T20માં રેકૉર્ડ આટલામી વખત ફિફ્ટી ફટકારી મોનાંક પટેલે.