26 June, 2026 05:29 PM IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent
વૈભવ સૂર્યવંશી (ફાઈલ તસવીર)
આજે ભારત અને આયર્લેન્ડ વચ્ચે પહેલી T20 મેચ રમાવાની છે. ક્રિકેટના ચાહકો ઈચ્છે છે કે વૈભવ સૂર્યવંશીનું આજે ડેબ્યૂ થાય. પણ બેટિંગ કોચે આજે કેટલાક ખુલાસા કર્યા છે, આ ખુલાસા સાંભળ્યા બાદ શું ફેન્સ નારાજ થશે કે કેમ? જાણો શું કહ્યું કોચે...
આજે ભારત અને આયર્લેન્ડ વચ્ચે બે મેચની T20 સિરીઝની પહેલી મેચ રમાશે. બંને ટીમો બેલફાસ્ટના કાઉન્ટી ગ્રાઉન્ડમાં ટકરાશે. આ મેચ પહેલા દરેકના મનમાં એક જ સવાલ છે કે વૈભવ સૂર્યવંશીને આજે ડેબ્યૂ માટેની તક મળશે કે નહીં. દરેક ચાહક ઈચ્છે છે કે વૈભવ સૂર્યવંશી આજે દેશ માટે રમે. 15 વર્ષના વૈભવ સૂર્યવંશીને IPL 2026માં શાનદાર પ્રદર્શન બાદ ભારતની T20 ટીમમાં લેવાયો છે. પરંતુ તેને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યૂ માટે હજુ રાહ જોવી પડી શકે છે. ટીમ ઈન્ડિયાના બેટિંગ કોચ સિતાંશુ કોટકના નિવેદનથી એવા જ સંકેત મળે છે.
આયર્લેન્ડ સામેની T20 સિરીઝ શરૂ થતાં પહેલા સિતાંશુ કોટકે કહ્યું કે માત્ર વૈભવને તક આપવા માટે ટીમ મેનેજમેન્ટ કોઈ ખેલાડીને બહાર નહીં કરે. પ્રેસ કૉન્ફરન્સમાં ભારતીય ટીમના બેટિંગ કોચે કહ્યું, "મને પૂરો ભરોસો છે કે તેને પોતાની આવડત બતાવવાની પૂરતી તકો મળશે. પણ મને નથી લાગતું કે માત્ર તેને તક આપવા માટે આપણે કોઈ એવા ખેલાડીને બહાર કરી દઈએ જે પહેલેથી જ રન બનાવી રહ્યો હોય. આ યોગ્ય નહીં કહેવાય." બેટિંગ કોચે વધુમાં કહ્યું, "ચોક્કસ, આ ટીમ મેનેજમેન્ટ પર નિર્ભર કરે છે. આપણે આ મેચમાં શું પ્લાન બનાવીએ છીએ એ અલગ વાત છે. મને લાગે છે કે કોઈને તક આપવી અને બીજા ખેલાડી સાથે ખોટું કરવું, એ બંને વચ્ચે ખૂબ પાતળી રેખા હોય છે." આ સિરીઝ 15 વર્ષીય વૈભવ સૂર્યવંશીની પસંદગીના કારણે પણ ખાસ છે. તે 15 વર્ષ 71 દિવસની ઉંમરે ટીમ ઈન્ડિયા માટે પસંદ કરાયેલા સૌથી યુવા ક્રિકેટર છે. હવે સવાલ એ છે કે શું તેને આજે ઈન્ડિયા ડેબ્યૂની તક મળશે?
જો વૈભવ સૂર્યવંશીને આજે તક મળશે તો તે ભારત માટે સૌથી નાની ઉંમરે ડેબ્યૂ કરનાર ખેલાડી બની જશે. હાલ આ રેકોર્ડ મહિલા ક્રિકેટર શેફાલી વર્માના નામે છે. શેફાલીએ 15 વર્ષ અને 239 દિવસની ઉંમરે ડેબ્યૂ કર્યું હતું. સચિન તેંડુલકરે પણ 16 વર્ષ અને 205 દિવસની ઉંમરે ભારત માટે પહેલી મેચ રમી હતી. વૈભવ જો આજે રમશે તો તે શેફાલી અને સચિન બંનેનો રેકોર્ડ તોડી દેશે.