04 June, 2026 01:34 PM IST | Patna | Gujarati Mid-day Correspondent
બિહાર પહોંચતાં જ ગામલોકોએ વૈભવ સૂર્યવંશીને ઘેર્યો
IPL 2026માં ધમાકેદાર પ્રદર્શન કર્યા પછી ૧૫ વર્ષનો સુપરસ્ટાર વૈભવ સૂર્યવંશી બિહારમાં આવેલા તેના વતન સમસ્તીપુર જિલ્લાના તાજપુર ગામે પહોંચ્યો હતો. વૈભવના આગમનના સમાચાર મળતાં જ તેની એક ઝલક મેળવવા અને સેલ્ફી લેવા માટે ઘરની બહાર લોકો અને સ્થાનિક મીડિયા ઊમટી પડ્યાં હતાં, જેના કારણે તેનું ઘરની બહાર નીકળવું પણ મુશ્કેલ
બન્યું છે.
પટનાથી ૧૦૦ કિલોમીટર દૂર તાજપુર ગામમાં થોડા સમય પહેલાં વૈભવનું ઘર અન્ય ઘરોની જેમ એક સામાન્ય ઘર હતું, પણ હવે વૈભવના કારનામાને લીધે એ એક મોટું ઍટ્રૅક્શન બની ગયું છે. લોકો દૂર-દૂરથી વૈભવની એક ઝલક માટે અને તેની સાથે સેલ્ફી લેવા ઊમટી રહ્યા છે. માંડ બે-ચાર દિવસ માટે ઘરે આવેલા વૈભવ સાથે ફૅમિલી-મેમ્બરોને પણ સમય ગાળવો મુશ્કેલ થઈ ગયો છે.
વૈભવે તેની IPLની બીજી જ સીઝનમાં ૭૨ સિક્સર ફટકારીને ક્રિસ ગેઇલનો એક સીઝનમાં હાઇએસ્ટ ૫૯ સિક્સરનો રેકૉર્ડ તોડી નાખ્યો હતો. ૧૬ ઇનિંગ્સમાં હાઇએસ્ટ ૭૭૬ રન બનાવીને સૌથી નાની ઉંમરે ઑરેન્જ કૅપ જીતીને પણ તેણે ઇતિહાસ રચી દીધો હતો. તે એકલે હાથે રાજસ્થાનને પ્લેઑફમાં દોરી ગયો હતો.
વૈભવના આ શાનદાર પ્રદર્શનને લીધે પસંદગીકારોએ તેને ઇન્ડિયા A ટીમમાં સામેલ કરી લીધો હતો અને હવે તે ૯ જૂનથી શ્રીલંકામાં રમાનારી ત્રિકોણીય શ્રેણીમાં રમતો જોવા મળશે. ક્રિકેટ-દિગ્ગજોનું માનવું છે કે તે સિનિયર ભારતીય ટીમમાં ડેબ્યુ કરવા માટે પણ સંપૂર્ણ પણે તૈયાર છે.
રાજસ્થાનની ટીમની જર્સીના કલરે રંગાયું છે વૈભવનું ઘર
ટૂરિસ્ટ સ્પૉટ બની ગયેલું વૈભવનું ઘર તેની ટીમ રાજસ્થાન રૉયલ્સની જર્સીના પિન્ક કલરથી જ રંગાયું છે. લોકો તેના ઘરનો પણ ફોટો અને સેલ્ફી લઈ રહ્યા છે.