23 December, 2025 11:10 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
વૈષ્ણવી શર્મા
મધ્ય પ્રદેશની ૨૦ વર્ષની સ્પિન ઑલરાઉન્ડર વૈષ્ણવી શર્માએ રવિવારે શ્રીલંકા સામેની T20 મૅચથી ઇન્ટરનૅશનલ ક્રિકેટમાં એન્ટ્રી કરી હતી. કૅપ્ટન હરમનપ્રીત કૌર પાસેથી ડેબ્યુ કૅપ મેળવનાર વૈષ્ણવીએ છેલ્લા અન્ડર-19 T20 વર્લ્ડ કપમાં ભારત માટે શાનદાર પ્રદર્શન કર્યું હતું. આ લેફ્ટ-આર્મ સ્પિનરે ૬ મૅચમાં ૧૭ વિકેટ લઈને ભારતને વર્લ્ડ કપ જિતાડવામાં મોટું યોગદાન આપ્યું હતું. તેણે ડોમેસ્ટિક ક્રિકેટમાં પણ ધમાલ મચાવીને સિલેક્ટરનું ધ્યાન ખેંચ્યું હતું.
૧૮ ડિસેમ્બરે તેની વીસમી વર્ષગાંઠના દિવસે તેણે ટીમ ઇન્ડિયા સાથે વિશાખાપટનમમાં પોતાનું પહેલું પ્રૅક્ટિસ-સેશન શરૂ કર્યું હતું. ઇન્ટરવ્યુથી ડરતી આ ક્રિકેટરના ચુલબુલા ઇન્ટરવ્યુ-વિડિયો હાલમાં સોશ્યલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યા છે. ડેબ્યુ મૅચમાં શ્રીલંકા સામે ૪ ઓવરમાં વિકેટ લીધા વગર ૧૬ રન આપનાર વૈષ્ણવીએ ૪ વર્ષની ઉંમરથી ક્રિકેટ રમવાનું શરૂ કર્યું હતું. તેને અભ્યાસમાં મન નહોતું લાગતું. ભણવા બેસે ત્યારે ઊંઘ આવતી અને તાવ ચડી જતો હતો.
સચિન તેન્ડુલકરથી પ્રેરિત થયેલી મધ્ય પ્રદેશની આ ક્રિકેટર કહે છે, ‘મેં સચિનસરને વર્લ્ડ કપ ૨૦૧૧માં બૅટિંગ કરતા ટીવી પર જોયા હતા ત્યારથી ક્રિકેટર બનવાનું વિચારી લીધું હતું. હું તેમની જેમ રમવા માગતી હતી અને મારી ઇચ્છા હતી કે મેદાન પર લોકો વૈષ્ણવી-વૈષ્ણવીના નારા લગાવીને મને પ્રોત્સાહિત કરે.’