05 February, 2025 10:06 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
વરુણ ચક્રવર્તી
ઇંગ્લૅન્ડ સામેની T20 સિરીઝમાં પ્રભાવશાળી પ્રદર્શન બાદ ઇન-ફૉર્મ મિસ્ટરી સ્પિનર વરુણ ચક્રવર્તીને ભારતની વન-ડે સ્ક્વૉડમાં પણ સ્થાન મળ્યું છે. ઇંગ્લૅન્ડ સામેની ત્રણ મૅચની વન-ડે સિરીઝમાં જો તેને પ્લેઇંગ-ઇલેવનમાં સ્થાન મળશે તો તે ચૅમ્પિયન્સ ટ્રોફીમાં સરપ્રાઇઝ એન્ટ્રી કરી શકે છે. ચૅમ્પિયન્સ ટ્રોફી માટે ટીમમાં ફેરફાર કરવાની અંતિમ તારીખ ૧૨ ફેબ્રુઆરી છે અને આવી સ્થિતિમાં તે પસંદગી માટે એક મજબૂત દાવેદાર બની રહેશે.
ચૅમ્પિયન્સ ટ્રોફી માટે ભારતીય સ્ક્વૉડમાં રવીન્દ્ર જાડેજા, વૉશિંગ્ટન સુંદર, અક્ષર પટેલ અને કુલદીપ યાદવ બાદ તે પાંચમો સ્પિનર બની શકે છે. ઇંગ્લૅન્ડ સામે પાંચ મૅચની T20 સિરીઝમાં ૧૪ વિકેટ લઈને પ્લેયર ઑફ ધ સિરીઝ બનેલા આ પ્લેયરે ગઈ કાલે નાગપુરમાં સાથી પ્લેયર્સ સાથે નેટ-પ્રૅક્ટિસ કરી હતી. જુલાઈ ૨૦૨૧થી ઇન્ટરનૅશનલ ક્રિકેટમાં ૧૮ T20 મૅચ રમનાર ૩૩ વર્ષના વરુણને ત્રણ મૅચની આ સિરીઝમાં વન-ડે ડેબ્યુ કરવાની તક રહેશે.