24 February, 2026 02:04 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
વરુણ ચક્રવર્તી
ભારતના મિસ્ટરી સ્પિનર વરુણ ચક્રવર્તીએ અમદાવાદમાં સાઉથ આફ્રિકા સામે ૪ ઓવરમાં ૪૭ રન આપીને એક વિકેટ લીધી હતી. T20 વર્લ્ડ કપમાં આ તેની હમણાં સુધીનો સૌથી મોંઘો સ્પેલ હતો. વિશ્વના નંબર વન બોલર વરુણના સૌથી મોંઘા ટૉપ ફોર સ્પેલ સાઉથ આફ્રિકા સામે જ આવ્યા છે.
વરુણ ચક્રવર્તીએ ૬૩ રનની ધમાકેદાર ઇનિંગ્સ રમનાર ડેવિડ મિલરને કૅચઆઉટ કરાવીને મોટો રેકૉર્ડ કર્યો હતો. તે ભારત માટે T20 ફૉર્મેટની સતત ૧૮ મૅચમાં વિકેટ લેનાર પહેલો બોલર બન્યો છે. તેણે ૨૦૨૫થી ૨૦૨૬ દરમ્યાન સતત ૧૮ મૅચમાં ઓછામાં ઓછી એક વિકેટ ભારતીય ટીમને અપાવી હતી. ભારતના ફાસ્ટ બોલર અર્શદીપ સિંહે ૨૦૨૪થી ૨૦૨૫ દરમ્યાન સતત ૧૭ મૅચમાં આ કમાલ કરી હતી. વરુણ ચક્રવર્તીએ ૨૦૨૪થી ૨૦૨૫ દરમ્યાન ભારત માટે સતત ૧૧ T20 મૅચમાં પણ વિકેટ લીધી હતી.