19 January, 2025 10:09 AM IST | Vadodara | Gujarati Mid-day Correspondent
પાંચમી વાર વિજય હઝારે ટ્રોફીમાં ચૅમ્પિયન બની કર્ણાટકની ટીમ.
વડોદરામાં આયોજિત વિજય હઝારે ટ્રોફી 2024-25ની ફાઇનલમાં વિદર્ભ સામે કર્ણાટકની ૩૬ રને જીત થઈ છે. કર્ણાટકની ટીમે ૬ વિકેટ ગુમાવીને ૩૪૮ રન ખડકી દીધા હતા, જવાબમાં પહેલી વાર આ ટુર્નામેન્ટની ફાઇનલ રમી રહેલી વિદર્ભની ટીમ ૪૮.૨ ઓવરમાં ૩૧૨ રન બનાવીને ઑલઆઉટ થઈ ગઈ હતી. તામિલનાડુની જેમ હવે કર્ણાટક પણ સૌથી વધુ પાંચ વાર આ ટુર્નામેન્ટની ચૅમ્પિયન બનનારી ટીમ બની છે.
કરુણ નાયર બન્યો પ્લેયર ઑફ ધ સિરીઝ.
એક સમયે કર્ણાટકની ટીમ માટે રમનાર વિદર્ભ ટીમના કૅપ્ટન કરુણ નાયર સૌથી વધારે રન ફટકારી પ્લેયર ઑફ ધ ટુર્નામેન્ટ બન્યો હતો. તેણે ૯ મૅચની ૮ ઇનિંગ્સમાં ૩૮૯.૫૦ની ઍવરેજ અને ૧૨૪.૦૪ના સ્ટ્રાઇક-રેટથી ૭૭૯ રન ફટકાર્યા છે જે એક વિજય હઝારે ટ્રોફીની સીઝનનો ત્રીજો સૌથી વધુ રનનો રેકૉર્ડ છે. તેણે આ દરમ્યાન એક ફિફ્ટી અને પાંચ સેન્ચુરી પણ ફટકારી છે. કર્ણાટકનો કૅપ્ટન મયંક અગ્રવાલ ૧૦ મૅચમાં ૬૫૧ રન સાથે બીજો હાઇએસ્ટ રન-સ્કોરર રહ્યો છે.