30 December, 2025 12:31 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ધ્રુવ જુરેલ અને રિન્કુ સિંહ
વિજય હઝારે ટ્રોફી 2025-26માં ગઈ કાલે ત્રીજા રાઉન્ડની મૅચ રમાઈ હતી. ૧૯ મૅચોમાં ૧૮ જેટલી સેન્ચુરી અને ૫૧ હાફ-સેન્ચુરી જોવા મળી હતી. શાર્દૂલ ઠાકુરના નેતૃત્વમાં મુંબઈએ વર્તમાન સીઝનમાં જીતની હૅટ-ટ્રિક કરી છે. જયપુરમાં ફાસ્ટ બોલર શાર્દૂલની ૧૩ રનમાં ચાર વિકેટ અને સ્પિનર શમ્સ મુલાનીની ૩૧ રનમાં પાંચ વિકેટના પ્રદર્શનને કારણે છત્તીસગઢ ૩૮.૧ ઓવરમાં ૧૪૨ રને ઢેર થયું હતું. ઇન્જરીમાંથી પાછા ફરીને યંગ ઓપનર અંગક્રિશ રઘુવંશીએ ૬૬ બૉલમાં ૬૮ રનની મૅચવિનિંગ ઇનિંગ્સ રમી હતી. ૨૪ ઓવરમાં ૧૪૪ રન કરીને મુંબઈ ૯ વિકેટે જીત્યું હતું.
ઉત્તર પ્રદેશે ૩૬૯ રનનો સ્કોર ડિફેન્ડ કરીને બરોડાને ૫૪ રને હરાવ્યું હતું. રાજકોટમાં ઉત્તર પ્રદેશ માટે ત્રીજા ક્રમે રમીને વિકેટકીપર-બૅટર ધ્રુવ જુરેલે ૧૫ ફોર અને ૮ સિક્સની મદદથી ૧૦૧ બૉલમાં અણનમ ૧૬૦ રન ફટકાર્યા હતા. પહેલી બે મૅચમાં તેણે ૮૦ અને ૬૭ રનની ઇનિંગ્સ રમી હતી. કૅ પ્ટન રિન્કુ સિંહના ૬૭ બૉલમાં ૬૩ રનની મદદથી ઉત્તર પ્રદેશને ૭ વિકેટે ૩૬૯ સ્કોર નોંધાવવામાં મદદ મળી હતી. બરોડાના કૅપ્ટન કૃણાલ પંડ્યાએ ૭૭ બૉલમાં ૧૦ ફોર અને બે સિક્સની મદદથી ૮૨ રન કર્યા, પરંતુ બરોડા ઑલઆઉટ થઈને ૩૧૫ રન જ કરી શક્યું હતું.
રિષભ પંતની આગેવાનીમાં દિલ્હીએ પણ જીતની હૅટ-ટ્રિક કરી હતી. દિલ્હીએ સૌરાષ્ટ્ર સામે ૩૨૧ રનનો ટાર્ગેટ ૪૮.૫ ઓવરમાં ચેઝ કરીને ૩ વિકેટે વિજય મેળવ્યો હતો. યંગ ઓપનર પ્રિયાંશ આર્યએ દિલ્હી માટે પાંચ ફોર અને ૬ સિક્સના આધારે ૪૫ બૉલમાં ૭૮ રનની શાનદાર ઇનિંગ્સ રમી હતી. ભારતીય ફાસ્ટ બોલર નવદીપ સિંહ સૈનીએ ૪૧ રન આપીને ૩ વિકેટ ઝડપી હતી.
કૅપ્ટન મનન વોરાની ૧૨૨ રનની ઇનિંગ્સની મદદથી ચંડીગઢે બંગાળ સામે ૪૮.૨ ઓવરમાં ૩૧૯નો સ્કોર કર્યો. બંગાળ માટે ભારતીય ફાસ્ટ બોલર્સ મોહમ્મદ શમીએ ત્રણ અને મુકેશ કુમારે પાંચ વિકેટ ઝડપી હતી. યંગ ઓપનર અભિષેક પેરોલે ૮૪ બૉલમાં ૧૨ ફોર અને બે સિક્સના આધારે ૧૦૬ રન કર્યા હતા. ઑલરાઉન્ડર શહબાઝ અહમદે ૬૧ બૉલમાં ૭૬ અણનમ રન કરીને ૧૪ બૉલ પહેલાં ૩૨૦ રનનો ટાર્ગેટ ચેઝ કરાવી આપીને બંગાળને ૬ વિકેટે જીત અપાવી હતી.
અન્ડર-19 ભારતીય કૅમ્પને કારણે વિજય હઝારે ટ્રોફી નહીં રમી શકશે એવા દાવાઓ વચ્ચે વૈભવ સૂર્યવંશી ગઈ કાલે બિહાર માટે મેઘાલય સામે રમવા ઊતર્યો હતો. બિહારે પણ ૮ વિકેટની જીત સાથે વિજયની હૅટ-ટ્રિક કરી હતી. ૧૪ વર્ષના ઓપનર વૈભવ સૂર્યવંશીએ ૧૦ બૉલમાં ૬ ફોર અને એક સિક્સની મદદથી ૩૧ રન કર્યા હતા. પ્રૅક્ટિસ-સેશનમાં એક કલાકમાં ૪૦ પ્લસ સિક્સ માર્યા હોવાને કારણે ગઈ કાલે પંજાબના કૅપ્ટન અભિષેકના પ્રદર્શન પર સૌની નજર હતી. તે ૨૬ બૉલમાં ૩૦ રન જ કરી શક્યો હતો. જોકે સ્પિનર તરીકે તેણે બે વિકેટ ઝડપી હતી. તેની ટીમને ઉત્તરાખંડ સામે પાંચ વિકેટે હારનો સામનો કરવો પડયો હતો.
મહારાષ્ટ્રના ફાસ્ટ બોલર રામક્રિષ્ન ઘોષે હિમાચલ પ્રદેશ સામે ૪૨ રન આપીને ૭ વિકેટ ઝડપી હતી. આ ટુર્નામેન્ટમાં ૧૨મી વખત કોઈ બોલરે સાત કે એથી વધુ વિકેટ લીધી હતી. જોકે ઋતુરાજ ગાયકવાડની ટીમ ૨૭૨ના ટાર્ગેટ સામે ૯ વિકેટે ૨૬૪ રન કરી સાત રને હારી હતી.
નાગાલૅન્ડે બે સદીની મદદથી ચાર વિકેટે ૩૯૯ રન કર્યા હતાં. મિઝોરમ ૪૨ ઓવરમાં ૨૨૨ રને ઢેર થતાં નાગાલૅન્ડ ૧૭૭ રને જીત્યું હતું.
હૈદરાબાદ જેવી ટીમ સામે આસામ અંતિમ ઓવરમાં ૩૧૦ રનના ટાર્ગેટ સામે ૬ વિકેટે ૩૧૪ રન કરીને જીત્યું હતું.
ત્રિપુરાએ તેજસ્વી જાયસવાલના ૬૧ રનની મદદથી કરેલો ૨૮૬ રનનો સ્કોર ડિફેન્ડ કરીને રાજસ્થાનને ૨૨૦ રને રોકી ૬૬ રને વિજય મેળવ્યો.
કુમાર કુશાગ્રના ૧૦૫ રનના આધારે ઝારખંડે ૩૬૮-૭નો સ્કોર કર્યો હતો. પૉન્ડિચેરીને ૨૩૫ રને રોકીને ઝારખંડ ૧૩૩ રને જીત્યું.
રેલવેની ટીમ ૩૬૫ રનનો સ્કોર ડિફેન્ડ કરીને સર્વિસિસ ટીમ સામે ૮૪ રને જીતી હતી.