20 November, 2026 10:08 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
વિકલ્પ તિવારી
કલકત્તામાં બુધવારે સૈયદ મુશ્તાક અલી ટ્રોફીની મૅચમાં છત્તીસગઢની ઓડિશા સામેની ૫૧ રનની જીતમાં ૧૭ વર્ષનો કૅપ્ટન વિકલ્પ તિવારી ચમક્યો હતો. રિટાયર્ડ હર્ટ થયેલા ડાબોડી બૅટર વિકલ્પ તિવારીએ માત્ર ૫૬ બૉલમાં ૧૮ ફોર અને ૩ સિક્સની મદદથી ૧૧૯ રન કરીને ટીમને ૨૨૮-૪ના સ્કોર સુધી પહોંચવામાં મદદ કરી હતી. ઓડિશા ૧૭૭ રને ઑલઆઉટ થઈને હાર્યું હતું.
માત્ર ૧૭ વર્ષની ઉંમરે એક T20 ટીમની કમાન સંભાળનાર વિકલ્પ તિવારી IPLનો નવો ટીનેજ સ્ટાર બની શકે છે. આ વર્ષે સપ્ટેમ્બર મહિનાથી તેણે લખનઉ સુપર જાયન્ટ્સ માટે બે વખત, મુંબઈ ઇન્ડિયન્સ અને રાજસ્થાન રૉયલ્સ માટે એક-એક વખત ટ્રાયલ્સમાં ભાગ લીધો હતો. T20 ફૉર્મેટની ત્રીજી જ ઑફિશ્યલ મૅચમાં સદી ફટકારીને તેણે મિની-ઑક્શન પહેલાં સૌનું ધ્યાન ખેંચ્યું છે.
વિકલ્પે ઉત્તરાખંડ સામે ત્રીજા ક્રમે બૅટિંગ કરતાં સીઝનની શરૂઆત કરી અને માત્ર ૧૭ બૉલમાં ૫૦ રન ફટકાર્યા હતા. ત્યારબાદ હૈદરાબાદ સામે તેણે ઓપનિંગ કરી પરંતુ પહેલા જ બૉલ પર આઉટ થઈ ગયો. ઓડિશા સામે પણ તેણે ત્રીજા ક્રમે બૅટિંગ કરીને સદી ફટકારી હતી.
વિકલ્પના પપ્પા મનોજ તિવારી જ તેના કોચ છે. વિકલ્પ માત્ર પાંચ વર્ષની ઉંમરથી પપ્પાની ઍકૅડેમીમાં ક્રિકેટ રમી રહ્યો છે. ૧૧ વર્ષની ઉંમરે તેને છત્તીસગઢની અન્ડર-14 ટીમમાં સ્થાન મળ્યું હતું. ૨૦૨૫માં ભારતની
અન્ડર-19 ટીમની ઇંગ્લૅન્ડ ટૂરમાં તેને સ્થાન મળ્યું હતું, પરંતુ ઇન્જરીને કારણે તે રમી શક્યો નહોતો.
વિકલ્પ તિવારીએ હાલમાં છત્તીસગઢ પ્રીમિયર લીગમાં ૭ મૅચમાં ૧૫૩.૨૮ના સ્ટ્રાઇક-રેટ સાથે કુલ ૩૫૧ રન બનાવીને સૌથી વધુ રન બનાવનારા પ્લેયર્સમાં ટોચનું સ્થાન મેળવ્યું હતું. ધોરણ ૧૦ અને ધોરણ ૧૧માં વિકલ્પ તિવારી ૫૦ ટકા સાથે પાસ થયો છે. જોકે ક્રિકેટની પ્રતિબદ્ધતાઓને કારણે તેણે હાલમાં ધોરણ ૧૨નો અભ્યાસ છોડી દીધો છે.
વિકલ્પ તિવારી વિરાટ કોહલી અને બેન સ્ટોક્સનો મોટો ચાહક છે. ઑલરાઉન્ડર બનવા માટે તે સ્પિન બોલિંગની પણ પ્રૅક્ટિસ કરી રહ્યો છે.
લિસ્ટ A ક્રિકેટમાં પણ ફટકારી ચૂક્યો છે સદી
વિકલ્પ તિવારીએ ડિસેમ્બર ૨૦૨૫માં વિજય હઝારે ટ્રોફી દરમ્યાન છત્તીસગઢ માટે લિસ્ટ A ક્રિકેટમાં પદાર્પણ કર્યું. વર્ષના છેલ્લા દિવસે રમાયેલી તેની છઠ્ઠી મૅચમાં તેણે સિક્કિમ સામે માત્ર ૫૭ બૉલમાં ૧૧૨ રન બનાવ્યા હતા. ૯ ફોર અને ૬ સિક્સની મદદથી તેણે પોતાની પહેલી લિસ્ટ A સદી ફટકારી હતી. ૧૬ વર્ષની ઉંમરે તે વૈભવ સૂર્યવંશી પછી લિસ્ટ A ક્રિકેટમાં સદી ફટકારનાર બીજો સૌથી યુવા ભારતીય પુરુષ ક્રિકેટર બન્યો હતો.
જાન્યુઆરી ૨૦૨૬માં વિકલ્પ તિવારીએ દિલ્હી સામે રેડ-બૉલ એટલે કે ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટમાં પદાર્પણ કર્યું હતું. મોહમ્મદ સિરાજની હૈદરાબાદની ટીમ સામે તે ફર્સ્ટ-ક્લાસ મૅચમાં ૯૪ રનની ઇનિંગ્સ રમી ચૂક્યો છે.