Viral Video: નાકમાંથી લોહી વહેતું રહ્યું પણ રોહિત શર્માએ ન છોડ્યું મેદાન, ચાહકો થયા પ્રભાવિત

03 October, 2022 08:21 PM IST  |  New Delhi | Gujarati Mid-day Online Correspondent

વાસ્તવમાં જ્યારે દક્ષિણ આફ્રિકાની ટીમ બેટિંગ કરી રહી હતી ત્યારે રોહિતના નાકમાંથી લોહી નીકળતું જોવા મળ્યું હતું

ફાઇલ તસવીર

ભારતે બીજી T20Iમાં દક્ષિણ આફ્રિકાને 16 રનથી હરાવીને ત્રણ મેચની T20I શ્રેણીમાં 2-0ની અજેય સરસાઈ મેળવી લીધી છે. આ સાથે ટીમ ઈન્ડિયાએ સાઉથ આફ્રિકા વિરુદ્ધ પ્રથમ વખત પોતાના ઘરઆંગણે T20 સિરીઝ જીતી છે. ગુવાહાટીના બરસાપારા ક્રિકેટ સ્ટેડિયમમાં પ્રથમ બેટિંગ કરતા, ભારતે 237 રનનો વિશાળ સ્કોર બનાવ્યો અને પછી મુલાકાતી ટીમને 221 રન સુધી મર્યાદિત કરી. આ મેચ બાદ ભારતીય કેપ્ટન રોહિત શર્માનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. મેચમાં રોહિતનું ડેડિકેશન જોઈને હવે બધા તેને સલામ કરી રહ્યા છે.

વાસ્તવમાં જ્યારે દક્ષિણ આફ્રિકાની ટીમ બેટિંગ કરી રહી હતી ત્યારે રોહિતના નાકમાંથી લોહી નીકળતું જોવા મળ્યું હતું. આમ છતાં રોહિત મેદાન પર જ રહ્યો અને તે બહાર ન ગયો. તે ટુવાલ વડે નાક લૂછતો રહ્યો અને બોલર હર્ષલ પટેલ તેમ જ મેદાનમાં તેના ખેલાડીઓને સૂચના આપતો રહ્યો. જોકે બાદમાં રોહિત થોડા સમય માટે મેદાનની બહાર ગયો હતો. હિટમેન રોહિતના આ સમર્પણે ચાહકોનું દિલ જીતી લીધું છે. ચાહકો પણ તેમના કેપ્ટનના જોરદાર વખાણ કરી રહ્યા છે.

ભારતીય ટીમે હવે સિરીઝની ત્રીજી અને અંતિમ મેચ મંગળવારે ઈન્દોરમાં રમવાની છે. પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી આ મેચમાં નહીં રમે. કોહલીને ત્રીજી મેચમાંથી આરામ આપવામાં આવ્યો છે. રવિવારે ગુવાહાટીમાં ભારતીય ટીમે શ્રેણી જીત્યા બાદ કોહલી સોમવારે સવારે મુંબઈ જવા રવાના થયો હતો. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ના એક અધિકારીએ જણાવ્યું કે, "કોહલીને અંતિમ T20 મેચમાંથી આરામ આપવામાં આવ્યો છે."

sports news cricket news rohit sharma