30 January, 2025 06:28 PM IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent
વિરાટ કોહલી આજની મૅચમાં (તસવીર: પીટીઆઇ)
નવી દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં આજથી દિલ્હી અને રેલવે વચ્ચે રણજી મૅચ શરૂ થઈ ગઈ છે. મૅચ પહેલા કંઈક એવું જોવા મળ્યું હતું જે ભાગ્યે જ કોઈ પણ રણજી મૅચ પહેલા જોવા મળે છે. વાસ્તવમાં આજે વિરાટ કોહલી 12 વર્ષ બાદ રણજી મૅચ રમવા આવ્યો હતો. જોકે મૅચ 9.30 વાગ્યે શરૂ થવાની હતી, પરંતુ કોહલીનો ક્રેઝ એટલો બધો હતો કે ચાહકો સવારે 5 વાગ્યાથી જ સ્ટેડિયમની બહાર ભેગા થઈ ગયા હતા. કોહલી પ્રત્યે લોકોનો પ્રેમ જોઈને DDCAએ કહ્યું હતું કે મૅચ પહેલા લગભગ 10 હજાર દર્શકોને ફ્રી એન્ટ્રી આપવામાં આવશે. ચાહકોને ગેટ નંબર 15, 16 અને 7 થી એન્ટ્રી મળવાની હતી, તેથી જ સવારથી જ લોકો આ ગેટની સામે એકઠા થવા લાગ્યા હતા અને આ ક્રમ મૅચની શરૂઆત સુધી ચાલુ રહ્યો હતો. આ સાથે એક ફૅન સુરક્ષા તોડીને કોહલીને મળવા મેદાનમાં પહોંચી ગયો અને તેના પગ પકડી લીધા.
મૅચ દરમિયાન એક વિચિત્ર ઘટના સર્જાઈ હતી. જ્યારે વિરાટ કોહલીનો એક ફૅન સિક્યોરિટી કોડને તોડીને તેને મળવા માટે મિડ-ઓફ પહોંચ્યો. આ ફૅન વિરાટ કોહલીના પગને અડતા જ પાછળથી દોડી આવેલા સુરક્ષાકર્મીઓએ તેને પકડી લીધો અને પછી તેને મેદાનની બહાર લઈ ગયા. ભવિષ્યની મૅચોમાં આવી સ્થિતિ ઉભી ન થાય તે માટે પેરા મિલિટરી ફોર્સને બોલાવવામાં આવી છે. તમને જણાવી દઈએ કે મૅચ શરૂ થાય બાદ કલાકો વીતી ગયા છે, પરંતુ તેમ છતાં દર્શકોની ભીડ સતત અરુણ જેટલી સ્ટેડિયમમાં પહોંચી રહી છે. આ ઘટનાનો વીડિયો પણ હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
શાળા-કૉલેજ બંક કરીને પહોંચ્યા લોકો
ગેટની બહારની લાઈનોમાં મોટાભાગે યુવાનોનો સમાવેશ થતો હતો. તેમાં કેટલાક સ્કૂલ-કૉલેજના વિદ્યાર્થીઓ પણ હતા, જેઓ બંક કરીને વિરાટ કોહલીને જોવા સ્ટેડિયમ પહોંચ્યા હતા. સ્ટેડિયમની બહાર એક સ્કૂલનો વિદ્યાર્થી જોવા મળ્યો, જેણે પોતાની સ્કૂલનો શર્ટ કાઢીને બૅગમાં નાખ્યો અને તેમાંથી સ્વેટશર્ટ પહેર્યો. શાળાના 2-3 વધુ વિદ્યાર્થીઓ આમ કરતા જોવા મળ્યા હતા. જ્યારે તેને તેનું કારણ પૂછવામાં આવ્યું તો તેણે કહ્યું, `હું દરિયાગંજની એક સ્કૂલમાં ભણું છું અને ઘરે સ્કૂલે જવાનું નાટક કરીને અહીં આવ્યો છું.` આ પ્રશંસકે આગળ કહ્યું, `મૅચની ટિકિટ ફ્રી છે અને અમને વિરાટ કોહલી ખૂબ ગમે છે, તેથી જ અમે આજે સવારે જ અહીં પહોંચ્યા છીએ. IPL ટિકિટો મોંઘી છે અને સરળતાથી ઉપલબ્ધ નથી, તેથી જો તમને વિરાટની બેટને મફતમાં જોવાની તક મળી રહી હોય, તો કોણ તેને ચૂકવા માંગશે? આ સિવાય કોલેજના કેટલાક વિદ્યાર્થીઓ પણ મૅચ જોવા સ્ટેડિયમમાં આવ્યા હતા.