06 July, 2026 12:22 PM IST | London | Gujarati Mid-day Correspondent
વૃંદા રાઠી
મુંબઈની ૩૭ વર્ષની વૃંદા રાઠીએ ગઈ કાલે લૉર્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડમાં ઑસ્ટ્રેલિયા અને ઇંગ્લૅન્ડની ફાઇનલ મૅચ દરમ્યાન ઇતિહાસ રચ્યો હતો. વિમેન્સ T20 વર્લ્ડ કપ ફાઇનલમાં અમ્પાયરિંગ કરનારી વૃંદા રાઠી પ્રથમ ભારતીય બની હતી. ભારતની જી.એસ. લક્ષ્મી સતત ત્રીજા T20 વર્લ્ડ કપમાં મૅચ-રેફરીની ભૂમિકામાં જોવા મળી હતી.
મધ્યમ ગતિની બોલર વૃંદા રાઠી મુંબઈ યુનિવર્સિટીની મહિલા ટીમ માટે ૪ વર્ષ સુધી રમી હતી, પરંતુ તેને ક્યારેય સિનિયર સ્તરે રમવાની તક મળી ન હતી. આ પછી વૃંદાએ અમ્પાયરિંગમાં કારકિર્દી બનાવવાનું નક્કી કર્યું અને અત્યાર સુધી તે ઘણી સફળ રહી છે.
૨૦૨૩માં વૃંદા મુંબઈમાં ભારત અને ઇંગ્લૅન્ડની મહિલા ટીમ વચ્ચે રમાયેલી ટેસ્ટ-મૅચમાં અમ્પાયરિંગ કરનારી પ્રથમ ભારતીય ટેસ્ટ-અમ્પાયર બની હતી. આજ સુધી વૃંદાએ ૨૦ વન-ડે અને ૭૭ વિમેન્સ T20 ઇન્ટરનૅશનલ મૅચોમાં અમ્પાયરિંગ કર્યું છે.