અજિત આગરકરની વિદાય ઑલમોસ્ટ ફાઇનલ, વીવીએસ લક્ષ્મણ બની શકે છે નવો ચીફ સિલેક્ટર

06 August, 2026 12:14 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ભૂતપૂર્વ પેસ બોલરનો કૉન્ટ્રૅક્ટ આવતા મહિને પૂરો થઈ રહ્યો છે, તેની કાર્યશૈલીથી ખૂબ નારાજ ભારતીય ક્રિકેટ બોર્ડ હવે વર્લ્ડ કપ ૨૦૨૭ સુધી લંબાવાના મૂડમાં નથી

વીવીએસ લક્ષ્મણ અને અજિત આગરકર

ભારતીય પુરુષ ક્રિકેટ ટીમના ચીફ સિલેક્ટર અજિત આગરકરની વિદાયનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. અહેવાલો પ્રમાણે ક્રિકેટ બોર્ડે અજિત આગરકરની વિદાયનું પ્લાનિંગ કરી લીધું છે. આગરકરનો કૉન્ટ્રૅક્ટ જૂનમાં સમાપ્ત થઈ ગયો હતો અને બોર્ડે તેને ત્રણ મહિનાનું એક્સટેન્શન આપ્યું હતું. ત્યાર બાદ એવી પણ ચર્ચાઓ હતી કે આગરકર કદાચ ૨૦૨૭ના વન-ડે વર્લ્ડ કપ સુધી જળવાઈ રહેશે; પણ સિનિયર ખેલાડીઓ રોહિત શર્મા, વિરાટ કોહલી અને મોહમ્મદ શમીને લઈને થયેલા વિવાદો તથા તેની કાર્યશૈલીથી ક્રિકેટ બોર્ડ ખુશ ન હોવાથી એક્સટેન્શનો પ્લાન પડતો મૂકીને વિકલ્પ શોધવાનું શરૂ કરી દેવાયું હતું.
રિપોર્ટ પ્રમાણે ક્રિકેટ બોર્ડ વીવીએસ લક્ષ્મણને ચીફ સિલેક્ટર બનાવી શકે છે. ક્રિકેટ બોર્ડને જ્યારે પણ જરૂર પડી છે ત્યારે લક્ષ્મણ તરફ જ નજર કરી છે અને તેણે તેમને ક્યારે નિરાશ નથી કર્યા. લક્ષ્મણ હાલમાં બૅન્ગલોર સ્થિત BCCI સેન્ટર ઑફ એક્સલન્સનો પ્રમુખ છે. તાજેતરમાં જ તેણે ઝિમ્બાબ્વેની ટૂરમાં ગૌતમ ગંભીરની ગેરહાજરીમાં ટીમ ઇન્ડિયાના હેડ કોચની ભૂમિકા સફળતાપૂર્વક ભજવી હતી. આ પહેલાં પણ જ્યારે ભારતીય ટીમના મુખ્ય કોચિંગ સ્ટાફને બ્રેક આપવામાં આવ્યો હતો ત્યારે લક્ષ્મણે જ કોચિંગની કમાન સંભાળી હતી. લક્ષ્મણ લાંબા સમયથી ડોમેસ્કિટ ક્રિકેટ અને યુવા ખેલાડીઓ પર ઝીણવટભરી નજર રાખી રહ્યો છે, જેના કારણે ચીફ સિલેક્ટર માટે તે એકદમ યોગ્ય ઉમેદવાર તરીકે ઊભરી આવ્યો છે. ગૌતમ ગંભીરથી નારાજ અમુક દિગ્ગજો લક્ષ્મણને હેડ કોચ બનાવવા માટે પણ આગ્રહ કરી રહ્યા છે. 
બીજી તરફ અજિત આગરકરના નેતૃત્વમાં સિલેક્શન કમિટીના કાર્યકાળમાં ટીમ ઇન્ડિયાની સિદ્ધિઓની વાત કરીએ તો તેણે ત્રણ મોટી ટ્રોફીઓ જીતી છે, જેમાં બે T20 વર્લ્ડ કપ અને એક ચૅમ્પિયન્સ ટ્રોફી સામેલ છે. આ સફળતાને લીધે જ આગરકરને એક્સટેન્શન મળ્યું હતું અને નારાજગી છતાં ક્રિકેટ બોર્ડ તેને હટાવવા માટે સાવચેતીપૂર્વક આગળ વધી રહ્યું છે. તેની સફળતાને લીધે હજુ પણ અમુક તેને આગામી વન-ડે વર્લ્ડ કપ સુધી જાળવી રાખવાના મૂડમાં છે.

vvs laxman ajit agarkar cricket news gautam gambhir board of control for cricket in india sports news sports