15 August, 2026 09:57 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
કોચ કે ચીફ સિલેક્ટર નહીં પણ ક્રિકેટ ડિરેકટર બનશે વીવીએસ લક્ષ્મણ
છેલ્લા થોડાક સમયના વિવાદો અને ટીમના નબળા પર્ફોર્મન્સને લીધે ચીફ સિલેક્ટર અજિત આગરકર અને હેડ કોચ ગૌતમ ગંભીરના વિકલ્પોની ચર્ચા થવા લાગી હતી. આ બન્ને માટે વીવીએસ લક્ષ્મણનું નામ સૌથી વધુ ચર્ચાવા લાગ્યું હતું, પણ હવે લેટેસ્ટ અહેવાલ પ્રમાણે ભારતીય ક્રિકેટ બોર્ડ લક્ષ્મણને એક મોટી જવાબદારી સોંપવા જઈ રહ્યું છે. ક્રિકેટ બોર્ડ આવતા મહિને અમુક મહત્ત્વના હોદ્દાઓમાં ફેરફાર કરવા જઈ રહ્યું છે એમાં લક્ષ્મણને ડિરેક્ટર ઑફ ક્રિકેટ બનાવી શકે છે. એક સમયે રવિ શાસ્ત્રી એ પદ પર રહી ચૂક્યો હતો.
તાજેતરમાં ગૌતમ ગંભીરની ગેરહાજરીમાં ઝિમ્બાબ્વે ટૂરમાં સફળતાપૂર્વક હેડ કોચની જવાબદારી નિભાવનાર લક્ષ્મણ હાલમાં ક્રિકેટ બોર્ડના બૅન્ગલોર સ્થિત સેન્ટર ઑફ એક્સલન્સના હેડ તરીકે કાર્યરત છે. અહેવાલ પ્રમાણે લક્ષ્મણને હાલના પદ પર જાળવી રાખીને એક વધુ મોટી જવાબદારી સોંપવામાં આવશે જેમાં મહત્ત્વના હોદ્દાઓ પર સ્ટાફની નિમણૂક થશે. આમ હવે આવનારા સમયમાં ભારતીય ક્રિકેટને લગતા દરેક કામકાજમાં લક્ષ્મણ કેન્દ્રસ્થાને રહેશે.