અમારી પાસે પણ સ્પિનર છે : કમિન્સ

05 February, 2023 10:39 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ઑસ્ટ્રેલિયાએ ટીમમાં મિશેલ સ્વેપસન અને ઍસ્ટન ઍગરની પણ પસંદગી કરી છે

બૅન્ગલોરમાં યોજાયેલી પ્રેસ-કૉન્ફરન્સમાં ઑસ્ટ્રેલિયાનો ટેસ્ટ કૅપ્ટન પૅટ કમિન્સ

ઑસ્ટ્રેલિયાના કૅપ્ટન પૅટ કમિન્સે શનિવારે કહ્યું હતું કે અમારી ટીમ સ્પિન કૉમ્બિનેશનને લઈને વધુ પરેશાન નથી, કારણ કે ચાર મૅચની ટેસ્ટ સિરીઝમાં અમારી પાસે નૅથન લાયનને સાથ આપવા માટે ઘણા સ્પિનર્સ છે. ઑસ્ટ્રેલિયાએ ટીમમાં મિશેલ સ્વેપસન અને ઍસ્ટન ઍગરની પણ પસંદગી કરી છે. કમિન્સે કહ્યું કે ‘અમારી પાસે આંગળીથી સ્પિન, કાંડાથી સ્પિન અને લેફ્ટી સ્પિનર જેવા અનેક વિકલ્પ છે. અમે એવા બોલરની પસંદગી કરીશું જે અમને ૨૦  વિકેટ લેવામાં મદદ કરે. બે સ્પિનરને રમાડવાની વાત હોય છે અને એ અમે નાગપુર ગયા બાદ ત્યાંની પિચ જોઈને નક્કી કરીશું.’

ઑસ્ટ્રેલિયાના કૅપ્ટને વધુમાં કહ્યું કે ‘ઍગર અગાઉ ભારત આવેલી ટીમમાં પણ હતો. સ્વેપસને અગાઉ યોજાયેલી બે સિરીઝમાં સારો દેખાવ કર્યો છે. બૅટર ટ્રેવિસ હેડ પણ સારી ઑ​ફ ​સ્પિન કરી શકે છે.’ 

sports sports news cricket news australia