વેસ્ટ ઇન્ડીઝ વીજળીથી પ્રભાવિત મૅચ જીતીને સાઉથ આફ્રિકા સામે ક્લીન સ્વીપથી બચ્યું

02 February, 2026 12:21 PM IST  |  Johannesburg | Gujarati Mid-day Correspondent

વીજળીને કારણે મૅચને ૧૦-૧૦ ઓવરની કરવામાં આવી હતી

પિન્ક જર્સી પહેરીને ત્રીજી મૅચ રમનાર સાઉથ આફ્રિકાના પ્લેયર્સ T20 સિરીઝની ટ્રોફી સાથે જોવા મળ્યા હતા

વેસ્ટ ઇન્ડીઝે શનિવારે મોડી રાતે જોહનિસબર્ગ ખાતે વીજળીથી પ્રભાવિત ત્રીજી મૅચમાં DLS પદ્ધતિ દ્વારા સાઉથ આફ્રિકાને ૬ રનથી હરાવીને T20 સિરીઝનો આશ્વાસન વિજય સાથે અંત કર્યો હતો. વેસ્ટ ઇન્ડીઝ સામે ૪ વર્ષ બાદ T20 સિરીઝ ૨-૧થી જીતનાર સાઉથ આફ્રિકા પહેલી વખત આ ફૉર્મેટની મૅચમાં સ્તન-કૅન્સરની સારવાર માટે જાગૃતિ અને ભંડોળ એકત્ર કરવા પિન્ક જર્સી પહેરીને ઊતર્યું હતું.

વીજળીને કારણે મૅચને ૧૦-૧૦ ઓવરની કરવામાં આવી હતી. શાઈ હોપ અને શિમરન હૅટમાયરના ૪૮-૪૮ રનથી મહેમાન ટીમે ૧૧૪/૩નો સ્કોર કર્યો હતો. વેસ્ટ ઇન્ડીઝની ઇનિંગ્સ સમયે વીજળી-વરસાદનું વિઘ્ન ફરી નડ્યું હોવાથી DLS પદ્ધતિ અનુસાર સાઉથ આફ્રિકાને ૧૦ ઓવરમાં ૧૨૫ રનનો ટાર્ગેટ મળ્યો હતો. ક્વિન્ટન ડી કૉકની ૨૮ રનની ઇનિંગ્સના આધારે સાઉથ આફ્રિકા ૧૦ ઓવરમાં ૧૧૮/૬નો સ્કોર કરીને હાર્યું હતું. વેસ્ટ ઇન્ડીઝે આ હરીફ સામે ૩ કે એથી વધુ T20 મૅચની સિરીઝમાં ક્લીન સ્વીપનો સામનો ન કરવાનો સિલસિલો જાળવી રાખ્યો હતો. 

west indies south africa t20 international cricket news sports sports news