બે વર્ષ બાદ ઘરઆંગણે T20 સિરીઝ જીત્યું વેસ્ટ ઇન્ડીઝ

16 June, 2026 11:30 AM IST  |  Jamaica | Gujarati Mid-day Correspondent

શ્રીલંકા સામે નિર્ણાયક T20 મૅચમાં પાંચ વિકેટની જીત સાથે સિરીઝ ૨-૧થી જીતી લીધી 

ત્રીજી મૅચમાં પાંચ વિકેટ લેનાર શમર જોસેફ ૧૧ વિકેટ લઈને પ્લેયર ઑફ ધ સિરીઝ પણ બન્યો હતો

ગઈ કાલે શ્રીલંકાને ત્રીજી T20 મૅચમાં પાંચ વિકેટે હરાવીને વેસ્ટ ઇન્ડીઝે ૨-૧થી સિરીઝ પોતાના નામે કરી હતી. શ્રીલંકાએ ૨૦ ઓવરમાં ૧૦ વિકેટે ૧૬૯ રન કર્યા હતા. જવાબમાં વેસ્ટ ઇન્ડીઝે ૧૯.૪ ઓવરમાં પાંચ વિકેટે ૧૭૦ રનનો ટાર્ગેટ ચેઝ કરી લીધો હતો.

વેસ્ટ ઇન્ડીઝ ઘરઆંગણે બે વર્ષ બાદ T20 સિરીઝમાં વિજેતા બન્યું છે. છેલ્લે તેઓ મે ૨૦૨૪માં સાઉથ આફ્રિકા સામે ઘરઆંગણાની સિરીઝમાં ૩-૦થી જીત્યા હતા. ત્યાર બાદ ઘરઆંગણે રમાયેલી ચારેચાર T20 સિરીઝમાં વેસ્ટ ઇન્ડીઝ હાર્યું હતું.

ત્રીજી T20 મૅચમાં યંગ સ્પિનર દુનિથ વેલાલાગેએ ૨૮ બૉલમાં ૬ ફોર અને એક સિક્સના આધારે ૪૩ રનનું યોગદાન આપ્યું હતું. યંગ ફાસ્ટ બોલર શમર જોસેફે ૩૩ રન આપીને પાંચ વિકેટ ઝડપી હતી.

રન-ચેઝ દરમ્યાન કૅરિબિયન ટીમ માટે શરફેન રુધરફૉર્ડે ૪૦ બૉલમાં ૩ ફોર અને ૪ સિક્સના આધારે અણનમ ૫૪ રનનું યોગદાન આપ્યું હતું. અંતિમ બે ઓવરમાં જ્યારે ૨૯ રનની જરૂર હતી ત્યારે જેસન હોલ્ડરના પાંચ બૉલમાં ત્રણ સિક્સની મદદથી ફટકારેલા ૨૧ રન કામ લાગ્યા હતા. શ્રીલંકા માટે સ્પિનર વનિન્દુ હસરંગાએ ૧૭ રન આપીને બે વિકેટ લીધી હતી.

west indies sri lanka wt20 t20 international cricket news sports sports news