ટી૨૦માં ૨૦૦૦ રન અને ૧૦૦ વિકેટ : શાકિબ વિશ્વનો પ્રથમ પ્લેયર

05 July, 2022 05:39 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

વેસ્ટ ઇન્ડીઝ ૧-૦થી સિરીઝમાં આગળઃ શાકિબની ઓવરમાં પૉવેલના ૨૩ રન

શાકિબ-અલ-હસન (જમણે) રવિવારની મૅચમાં કાતિલ ફૉર્મમાં હતો, પણ જિતાડી નહોતો શક્યો. એક તબક્કે હેડન વૉલ્શ જુનિયરથી તેનો કૅચ છૂટી ગયો હતો (એકદમ જમણે) છતાં શાકિબ બંગલાદેશને વિજય નહોતો અપાવી શક્યો. (એ.એફ.પી.)

વેસ્ટ ઇન્ડીઝ અને બંગલાદેશ વચ્ચેની પ્રથમ ટી૨૦ વરસાદને લીધે ધોવાઈ ગયા બાદ ડોમિનિકા ટાપુમાં રવિવારે બીજી મૅચ રમાઈ હતી જેમાં બંગલાદેશ હારી ગયું હતું અને એ પહેલાં મૅચવિનર રૉવમન પૉવેલે (અણનમ ૬૧, ૨૮ બૉલ, છ સિક્સર, બે ફોર) શાકિબ-અલ-હસનની એક ઓવરમાં ૨૩ રન (૬, ૪, ૬, ૬, ૧, ૦) ઝૂડી કાઢ્યા હતા, પરંતુ એકંદરે શાકિબ માટે આ મૅચ શુકનવંતી રહી હતી, કારણ કે તે ટી૨૦ ઇન્ટરનૅશનલ્સમાં ૨૦૦૦ રન બનાવવા ઉપરાંત ૧૦૦ વિકેટ લેનારો વિશ્વનો પહેલો ખેલાડી બન્યો હતો.
૯૮ ટી૨૦માં શાકિબના ૧૨૦.૭૮ના સ્ટ્રાઇક-રેટ સાથે કુલ ૨૦૦૫ રન અને ૧૨૦ વિકેટ છે. તેણે રવિવારની મૅચમાં શાનદાર હાફ સેન્ચુરી (અણનમ ૬૮, બાવન બૉલ, ત્રણ સિક્સર, પાંચ ફોર) ફટકારી હતી, પણ તેની બધી મહેનત પાણીમાં ગઈ હતી, કારણ કે ૨૦ ઓવરમાં બંગલાદેશની ટીમ ૧૯૪ રનના લક્ષ્યાંક સામે ૬ વિકેટે ૧૫૮ રન સુધી પહોંચી શકી હતી. વેસ્ટ ઇન્ડીઝના ઑબેડ મૅકોય અને રોમારિયો શેફર્ડે બે-બે વિકેટ લીધી હતી.
પૉવેલને મૅન ઑફ ધ મૅચનો અવૉર્ડ મળ્યો હતો. હવે ગુરુવારે પ્રોવિડન્સમાં ત્રીજી અને આખરી ટી૨૦ રમાશે.

sports sports news cricket news